Ranji Trophy 2022-23: શરૂઆતની મેચમાં દિલ્હી અને મહારાષ્ટ્ર વચ્ચે ટક્કર થશે

13 December, 2022 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રણજી ટ્રોફીની આ સિઝન ઇશાંત શર્મા અને અજિંક્ય રહાણે માટે એક છેલ્લી તક હશે

ફાઇલ તસવીર

ભારતના ઘરેલુ ક્રિકેટમાં લાલ બોલથી રમાતી રણજી ટ્રોફી (Ranji Trophy)ની 2022-23 સીઝન મંગળવાર (13 ડિસેમ્બર)થી શરૂ થવા જઈ રહી છે, જેની પ્રથમ મેચ દિલ્હી અને મહારાષ્ટ્રની ટીમ વચ્ચે રમાશે. આ ઓપનિંગ મેચમાં ભારત માટે રમી રહેલા ઝડપી બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) જેવા અનુભવી ખેલાડીઓ પાસે પોતાની ઉપયોગીતા સાબિત કરવાની અને ટીમમાં વાપસી કરવાની છેલ્લી તક હશે.

ઈશાંત-રહાણેની વાપસીની છેલ્લી તક

બંને ખેલાડીઓ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવનારી ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રસ્તાવિત 4 મેચની ટેસ્ટ સિરીઝમાં પુનરાગમન કરવા પર નજર રાખશે, જે તેમની કારકિર્દીની છેલ્લી તક પણ સાબિત થઈ શકે છે. જ્યારે રણજી ટ્રોફીની આ સિઝન ઇશાંત શર્મા અને અજિંક્ય રહાણે માટે એક છેલ્લી તક હશે, તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરશે.

રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં દિલ્હીનો સામનો મહારાષ્ટ્ર સામે થશે, જેમાં રુતુરાજ ગાયકવાડ અને અંકિત બાવનેની ખોટ સાલશે. બંને ઈજાના કારણે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. ગાયકવાડની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સાથી ઝડપી બોલર મુકેશ ચૌધરી પણ ઈજાના કારણે બહાર છે. બીજી તરફ દિલ્હીમાં ઈશાંત શર્મા, સિમરજીત સિંહ, નીતિશ રાણા જેવા દિગ્ગજ ખેલાડીઓ છે, ત્યારે 20 વર્ષીય યશ ધૂલ ટીમનો કેપ્ટન છે.

દિલ્હીની ટીમ યુવા સ્ટાર્સથી શોભી રહી છે

IPL સ્ટાર લલિત યાદવ, આયુષ બદાઉની, રિતિક શોકીન પણ ટીમમાં છે. દિલ્હીની ટીમમાં ઘણા સિનિયર ખેલાડીઓ છે, જેની કેપ્ટનશિપ એક એવા ખેલાડી દ્વારા કરવામાં આવી રહી છે જેને માત્ર આઠ ફર્સ્ટ ક્લાસ મેચોનો અનુભવ છે. રહાણે, જેણે બે સીઝન પહેલાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતનું સુકાની પદ સંભાળ્યું હતું, તેની પાસે સ્થાનિક ક્રિકેટ વિશે વિચારવાનો ઓછો સમય હતો, પરંતુ મુંબઈના સુકાનીએ હવે મંગળવારે હૈદરાબાદ સામે નવેસરથી શરૂઆત કરવી પડશે.

આ પણ વાંચો: પીટી ઉષાએ રચ્યો ઇતિહાસ

ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે પોતાની જગ્યા બનાવવાની આ છેલ્લી તક છે. સારું પ્રદર્શન કરીને રહાણે અને ઈશાંત 23મી ડિસેમ્બરે આઈપીએલ મિની હરાજીમાં ટીમોનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છશે.

 

sports news cricket news ranji trophy champions ranji trophy ajinkya rahane ishant sharma