24 October, 2024 09:33 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાન
એશિયામાં ચાલી રહેલી ત્રણ ટેસ્ટ-સિરીઝ વચ્ચે શાનદાર પ્રદર્શન કરનાર કેટલાક ક્રિકેટર્સને બૅટિંગ-રૅન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. બૅન્ગલોર ટેસ્ટના પ્લેયર ઑફ ધ મૅચ ન્યુ ઝીલૅન્ડના રાચિન રવીન્દ્રને ૩૬ ક્રમનો ફાયદો થયો છે અને હવે તે ૧૮મા સ્થાને છે, જ્યારે ઓપનિંગ-બૅટર ડેવોન કૉન્વે ૧૨ ક્રમના ફાયદા સાથે ૩૬મા સ્થાને પહોંચ્યો છે. ભારતના રિષભ પંત (છઠ્ઠું સ્થાન)ને ત્રણ ક્રમ અને સરફરાઝ ખાન (૫૩મું સ્થાન)ને ૩૧ ક્રમનો ફાયદો થયો છે. વિરાટ કોહલી (૮મું સ્થાન)ને એક ક્રમ અને રોહિત શર્મા (૧૫મું સ્થાન)ને બે ક્રમનું નુકસાન થયું છે.
ઇંગ્લૅન્ડનો સ્ટાર બૅટ્સમૅન જો રૂટ બૅટિંગ-રૅન્કિંગમાં ટોચ પર યથાવત્ છે. પાકિસ્તાનના સ્પિનર નોમાન અલીને ઇંગ્લૅન્ડ વિરુદ્ધ બે ઇનિંગ્સમાં અગિયાર વિકેટ લેવાનો ફાયદો મળ્યો છે. તેણે બોલિંગ-રૅન્કિંગમાં ૧૭મા સ્થાને ફરી પોતાનું સ્થાન મેળવ્યું છે. તેના સાથી સ્પિનર સાજિદ ખાનને બાવીસ ક્રમનો ફાયદો થયો છે અને તે ૫૦મા સ્થાને પહોંચી ગયો છે.