08 January, 2025 09:36 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
સ્ટીવ સ્મિથ
૨૦૨૫માં પાકિસ્તાન સુપર લીગ (PSL) અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મૅચો એક જ સમયગાળા દરમ્યાન યોજાવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એવા મોટા વિદેશી ખેલાડીઓ સાથે કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેમને IPLના ઑક્શનમાં કોઈ ખરીદદાર મળ્યો નથી. જોકે ૧૧ જાન્યુઆરીએ પ્લેયર્સ ડ્રાફ્ટ થાય એ પહેલાં PSL માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે.
ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ અને ન્યુ ઝીલૅન્ડનો કેન વિલિયમસન PSLની દસમી સીઝનમાં રમે એની શક્યતા ઘણી ઓછી છે. એપ્રિલ-મેમાં યોજાનારી આ લીગમાં અંગ્રેજ પ્લેયર્સની ભાગીદારી પણ શંકાસ્પદ છે, કારણ કે હજી ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ડેવિડ વૉર્નર, આદિલ રશીદ, ક્રિસ વોક્સ અને મુસ્તફિઝુર રહમાન જેવા સ્ટાર પ્લેયર્સને ડ્રાફ્ટ દરમ્યાન પ્લૅટિનમ કૅટેગરીમાં સામેલ કરવામાં આવશે.