રણજી ટ્રોફી: કમબૅક બાદ પૃથ્વી શૉની સદી, પુજારાએ પણ સદી ફટકારીને ટીમ ઇન્ડિયાના દરવાજા ખખડાવ્યા

10 February, 2024 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા ઘણા સમયથી પૃથ્વી શૉ પર ફૉર્મ અને ફિટનેસને કારણે ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા હતા

સ્ટાર બૅટર પૃથ્વી શૉ

સ્ટાર બૅટર પૃથ્વી શૉએ ટીમ ઇન્ડિયા માટે પોતાની વાપસીનો દાવો મજબૂત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ફિટનેસ અને ખરાબ ફૉર્મને કારણે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા હતા એનો તેણે જવાબ રણજીમાં કમબૅક કરીને આપી દીધો છે. છત્તીસગઢ સામે મુંબઈ ટીમમાં કમબૅક કરતાં પૃથ્વી શૉએ આજે ૧૮૫ બૉલમાં ૧૫૯ રન કર્યા હતા. પૃથ્વી શૉએ ભૂપેન સાથે મળીને મુંબઈ માટે પહેલી વિકેટ માટે ૨૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી.

બીજી તરફ ખરાબ ફૉર્મને કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર રહલા ચેતેશ્વર પુજારાએ પણ બૅક-ટુ-બૅક રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી પોતાનું ફૉર્મ પાછું મેળવી લીધું છે અને ટુર્નામેન્ટમાં અત્યાર સુધી તે એક બેવડી સદી, બે અડધી સદી અને એક સદી ફટકારી ચૂક્યો છે. આજથી ચાલુ થયેલી મૅચમાં રાજસ્થાન સામે પુજારાએ ૨૩૦ બૉલમાં ૧૧૦ રન કર્યા હતા અને ટીમ ઇન્ડિયામાં વાપસી માટે પોતાની દાવેદારી મજબૂત કરી હતી.

પૃથ્વી શૉના શાનદાર ફૉર્મથી દિલ્હી કૅપિટલ્સ ટીમ પણ ખુશ

પૃથ્વી શૉ પોતાના ફૉર્મમાં પાછો ફરતાં આઇપીએલની ફ્રૅન્ચાઇઝી દિલ્હી કૅપિટલ્સે પણ રાહતનો શ્વાસ લીધો છે. ગઈ સીઝનમાં પૃથ્વી શૉનું ફૉર્મ ઘણું ખરાબ હતું. જોકે રિષભ પંત હજી સુધી સંપપૂર્ણ ફિટ ન થવાને કારણે પૃથ્વી શૉ દિલ્હી કૅપિટલ્સ ટીમ માટે ગેમ-ચેન્જર ખેલાડી સાબિત થઈ શકે છે. પૃથ્વી શૉ તાબડતોબ અંદાજમાં ઇનિંગ્સની શરૂઆત કરવા માટે જાણીતો છે.

પૃથ્વી શૉનો ટીમ ઇન્ડિયા માટે પણ રસ્તો ખૂલ્યો

પૃથ્વી શૉએ ૧૯ વર્ષની ઉંમરમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરતાં સદી ફટકારી હતી. તેને ભવિષ્યના સ્ટાર ક્રિકેટર તરીકે જોવામાં આવી રહ્યો છે, પણ પૃથ્વી શૉનું ફૉર્મ અને ફિટનેસ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. એવામાં રણજી ટ્રોફીમાં કમબૅક કરી સદી ફટકાર્યા બાદ આઇપીએલમાં પણ પોતાને સાબિત કરવા માટે શાનદાર તક મળશે. પૃથ્વી શૉ ભારત માટે છેલ્લે ૨૦૨૧માં રમ્યો હતો.

પુજારાએ ફરી ખટખટાવ્યાં ટીમ ઇન્ડિયાનાં દ્વાર

આજથી રણજી ટ્રોફીના મહત્ત્વના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ઘણા સ્ટાર ક્રિકેટરો રમી રહ્યા છે અને એમાં તેમના પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે જુનિયર ધ વૉલ ગણાતા અને સૌરાષ્ટ્ર ટીમ તરફથી રમતા ચેતેશ્વર પુજારાએ આજે રાજસ્થાન માટે સદી ફટકારીને ફરી ટીમ ઇન્ડિયા માટે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે. તેણે આજે ૨૩૦ બૉલમાં ૯ ચોગ્ગા સાથે ૧૧૦ રન કર્યા હતા. તે આ પહેલાં આ સીઝનમાં પોતાની પહેલી જ મૅચમાં ઝારખંડ સામે ૨૪૩ રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે રણજી ટ્રોફીની આ સીઝનમાં પાંચ મૅચની ૮ ઇનિંગ્સમાં એક બેવડી સદી, એક સદી અને બે અડધી સદી સાથે ૫૮ના સ્ટ્રાઇક રેટ સાથે ૫૩૮ રન બનાવ્યા છે. ત્યારે હજી ટીમ ઇન્ડિયા માટે ફરી કમબૅક કરવા માટે પસંદગીકર્તાઓને પુજારાના નામ પર ફરી વિચારવા માટે વધુ એક મજબૂત કારણ મળી ગયું છે.

sports news sports cricket news prithvi shaw