24 September, 2023 09:10 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
વારાણસીમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડિયન ટીમની જર્સી ગિફ્ટમાં આપી રહેલો ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના મતવિસ્તાર વારાણસીમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સચિન તેન્ડુલકર અને રવિ શાસ્ત્રી સહિત ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર્સ તેમ જ બીસીસીઆઇના પ્રેસિડન્ટ રોજર બિન્ની, એના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા અને સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ સાથે મંચ પર હતા.
વારાણસીમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, બીસીસીઆઇના પ્રેસિડન્ટ રોજર બિન્ની, વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા અને સેક્રેટરી જય શાહ તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટર્સ સચિન તેન્ડુલકર, કપિલ દેવ, સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી સાથે પીએમ મોદી.
અહીં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘હું એક એવા દિવસે કાશી આવ્યો છું કે જ્યારે ચન્દ્રના શિવશક્તિ પૉઇન્ટ પર ભારતના પહોંચવાને એક મહિનો પૂરો થયો છે. એક શિવશક્તિનું સ્થાન ચન્દ્ર પર છે, જ્યારે બીજું શિવશક્તિનું સ્થાન કાશીમાં છે. કાશીમાં એક ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હવે દેશનો મિજાજ એવો બની ગયો છે કે જે ખેલશે એ જ ખીલશે.