23 December, 2024 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ભારતીય ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનની નિવૃત્તિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપન લેટર લખીને શાનદાર કરીઅર માટે શુભેચ્છા પાઠવી હતી. બે પેજના આ લેટરની મુખ્ય વાત એ રહે છે કે વડા પ્રધાને અશ્વિનના પ્રખ્યાત કૅરમ બૉલનો ઉલ્લેખ કર્યો છે જેણે ઘણી વાર બૅટ્સમેનોને હેરાન કર્યા છે. તેમણે લખ્યું હતું કે ‘જે રીતે બૅટ્સમૅન સ્પિન બૉલની અપેક્ષા રાખતો હોય ત્યારે તેને સામે કૅરમ બૉલ બોલ્ડ કરે છે, એમ તારી નિવૃત્તિ પણ કૅરમ બૉલ જેવી છે જેની કોઈને અપેક્ષા નહોતી, બધા ચોંકી ગયા છે.’
આ સિવાય વડા પ્રધાને T20 વર્લ્ડ કપ 2022માં ભારત-પાકિસ્તાન મૅચને પણ યાદ કરી હતી જ્યાં અશ્વિને છેલ્લા બૉલ પર એક રન લઈને ટીમને યાદગાર જીત અપાવી હતી. તેમણે અશ્વિને છોડેલા વાઇડ બૉલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એ તેની બુદ્ધિ અને સમજશક્તિ દર્શાવે છે.
આ વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન અશ્વિનને અચાનક મૅચની વચ્ચે ચેન્નઈ પરત ફરવું પડ્યું હતું, કારણ કે તેની મમ્મી અચાનક બીમાર પડી ગઈ હતી. વડા પ્રધાને આ માટે અશ્વિનની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી, કારણ કે તે બીજા જ દિવસે મેદાન પર પાછો ફર્યો હતો. વડા પ્રધાને વર્લ્ડ કપ 2011 અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2013માં યોગદાન માટે પણ તેનાં વખાણ કર્યાં અને એમ પણ કહ્યું કે આખો દેશ તેની ૯૯ નંબરની જર્સી યાદ કરશે.