06 July, 2024 07:37 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને રિષભ પંત
T20 વર્લ્ડ કપમાં રિષભ પંતના કમબૅકની સફર કોઈ ચમત્કારથી ઓછી નથી. તેની કરીઅરને ખતમ કરી નાખે એવો અકસ્માત રિષભ પંતને નડ્યો હતો છતાં તેણે હાર માની નહોતી. ગુરુવારે ભારત આવ્યા બાદ વિજયી ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગઈ ત્યારે રિષભ પંત સ્ટાર આકર્ષણ હતો. વડા પ્રધાન મોદીએ પંત સાથે વાતચીત કરી હતી અને રોડ-અકસ્માત બાદ કમબૅક માટે તેણે શું કર્યું એની પૃચ્છા કરી હતી. મોદીએ તેને કહ્યું હતું કે તારા જીવનમાં કદાચ આ સૌથી મોટો પડકાર હતો અને એમાંથી તું બહાર આવી ગયો છે. આ સમયગાળામાં તે શું વિચારી રહ્યો હતો એમ પણ તેમણે પૂછ્યું હતું.
વડા પ્રધાન મોદી સાથે આ સંદર્ભમાં બોલતાં રિષભ પંતે કહ્યું હતું કે ‘હું તમારા આમંત્રણ માટે ખૂબ જ આભાર માનીને મારી વાતની શરૂઆત કરું છું. મારો અકસ્માત થયો ત્યારે મને યાદ છે કે એ ઘટના બની ત્યારે તમે મારી મમ્મીને ફોન કર્યો હતો. એ સમયે મારા મગજમાં ઘણી બધી બાબતો ચાલી રહી હતી, પણ જ્યારે મારી મમ્મીએ કહ્યું કે તમે ફોન કરીને કહ્યું છે કે કોઈ સમસ્યા નહીં થાય એનાથી હું માનસિક રીતે હળવો થઈ ગયો હતો.’
રિકવરીના દિવસોને યાદ કરતાં દિલ્હી કૅપિટલ્સ ક્રિકેટ ટીમના કૅપ્ટન રિષભ પંતે કહ્યું હતું કે એ સમયે હું સાંભળતો હતો કે હું ફરીથી રમી શકીશ કે નહીં. એ વખતે ચર્ચા થતી હતી કે ‘હું ફરીથી વિકેટકીપિંગ કરી શકીશ કે નહીં. આથી છેલ્લાં બે વર્ષથી મારા મગજમાં આ જ વાતો આવતી રહેતી હતી. હું વિચારતો હતો કે જ્યારે મેદાનમાં ઊતરીશ ત્યારે હું બીજા કોઈની
માન્યતા માટે નહીં પણ મારી જાતને સાબિત કરવા માટે કે હું ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી શકું છું અને ભારતને જીતવામાં મદદ કરી શકું છું.’