18 December, 2022 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગલાદેશના બૅટરને આઉટ કર્યા બાદ શુભમન ગિલ સાથે અક્ષર પટેલ.
ચટગાંવમાં રમાઈ રહેલી બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટમાં સ્પિનર અક્ષર પટેલની વેધક બોલિંગને કારણે ભારતે બંગલાદેશની ૨૭૨ રનમાં ૬ વિકેટ ઝડપી લીધી છે. પોતાની પહેલી જ મૅચ રમનાર ઝાકિર હસન (૨૨૪ બૉલમાં ૧૦૦ રન)એ શાનદાર સદી ફટકારી મૅચને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિજય માટે ૫૧૩ રનનો લક્ષ્યાંક અને એ પણ ચોથી ઇનિંગ્સમાં એ તો પડકારજનક સ્કોર છે. બંગલાદેશને આજે જીતવા માટે ૨૪૧ રનની જરૂર છે, પરંતુ એની માત્ર ચાર જ વિકેટ બાકી છે. કૅપ્ટન શાકિબ-અલ-હસન (૪૦ રન નૉટઆઉટ) હારને લંબાવવાનો પ્રયાસ કરશે.
ઝાકિર તેમ જ નજમુલ હોસેન શાંતો વચ્ચે ૧૨૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. લંચ બાદના સેશનમાં ઉમેશ યાદવે શાંતોની વિકેટ ઝડપીને આ પાર્ટનરશિપને તોડી હતી. બીજા સેશનમાં ભારતે બાવન રન આપીને બંગલાદેશ માટે અપસેટ સર્જી શકે એવા ત્રણ ખેલાડીને આઉટ કર્યા હતા. અક્ષરે સ્પિનરોને ખાસ મદદગાર નહીં એવી પિચ પર શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તેણે યાસીર અલી (૫ રન), મુશફિકુર રહીમ (૨૩૦) અને નુરુલ હસન (૩ રન)ને આઉટ કર્યા હતા. રવિચન્દ્રન અશ્વિને પણ ઝાકિરની મહત્ત્વની વિકેટ લીધી હતી, તો કુલદીપ યાદવે લિટન દાસને આઉટ કર્યો હતો.