27 November, 2024 09:13 AM IST | Bulawayo | Gujarati Mid-day Correspondent
સૈમ અયુબે
બીજી વન-ડેમાં ગઈ કાલે ૧૦ વિકેટે જીત મેળવીને પાકિસ્તાનની ટીમે યજમાન ઝિમ્બાબ્વે સામે ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી દીધી હતી. યજમાન ટીમ ૩૨.૩ ઓવરમાં ૧૪૫ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને ૧૮.૨ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૧૪૮ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૨૮ નવેમ્બરે રમાનારી ત્રીજી વન-ડે આ સિરીઝની નિર્ણાયક મૅચ બનશે.
ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરનાર યજમાન ટીમના પાંચ બૅટર્સ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા. ૬ બૅટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા હતા, પરંતુ કોઈ પણ ટકાઉ બૅટિંગ કરી શક્યું નહોતું. નવોદિત લેગ સ્પિનર અબ્રાર અહેમદ (૩૩ રનમાં ૪ વિકેટ) અને ઑફ-સ્પિનર સલમાન અલી આગા (૨૬ રનમાં ત્રણ વિકેટ)ના સ્પિનના જાદુએ ઝિમ્બાબ્વેને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા.
પાકિસ્તાનના બાવીસ વર્ષના સૈમ અયુબે ૬૨ બૉલમાં ૧૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૧૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી હતી. કરીઅરની પાંચમી વન-ડેમાં તેની આ પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી હતી. વન-ડે ઇન્ટરનૅશનલમાં ટીમના ૧૫૦ રનથી ઓછા સ્કોરમાં કોઈ બૅટરે સેન્ચુરી ફટકારી હોય એવી આ પહેલી ઘટના છે.