20 January, 2025 12:49 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી એની મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ સાથે ઉજવણી કરતો સાજિદ ખાન (વચ્ચે).
પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચ પાકિસ્તાનની ધરતી પરની સૌથી ટૂંકી સાબિત થઈ છે. આ ટેસ્ટમાં માત્ર ૧૦૬૪ બૉલ ફેંકાયા, જ્યારે પાકિસ્તાનની ધરતી પરની આ પહેલાંની શૉર્ટેસ્ટ ટેસ્ટ-મૅચ ૧૦૮૦ બૉલની હતી. એ મૅચમાં પણ સામે વેસ્ટ ઇન્ડીઝ જ હતું. બે મૅચની સિરીઝની મુલતાનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ત્રીજા દિવસના ટી-ટાઇમ પહેલાં જ ખેલ ખતમ થઈ ગયો હતો. ૨૫૧ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝ ૧૨૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૨૩૦ અને બીજી ઇનિંગ્સમાં ૧૫૭ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગ્સમાં ૧૩૭ રન કર્યા હતા. પાકિસ્તાનના રાઇટ-આર્મ ઑૅફ-બ્રેક બોલર સાજિદ ખાને આ મૅચમાં કુલ ૯ (૪ અને પાંચ) તથા વેસ્ટ ઇન્ડીઝના લેફ્ટ-આર્મ સ્લો ઑર્થોડૉક્સ બોલર જોમેલ વૉરિકને કુલ ૧૦ (૩ અને ૭) વિકેટ લીધી હતી.
ટૂંકામાં ટૂંકી ટેસ્ટ માત્ર ૬૪૨ બૉલની
જાન્યુઆરી ૨૦૨૪માં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ-મૅચ ક્રિકેટ-ઇતિહાસની ટૂંકામાં ટૂંકી ટેસ્ટ હતી. એ મૅચમાં માત્ર ૬૪૨ બૉલ નાખવામાં આવ્યા હતા. એ મૅચ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી અને ભારતે ૭ વિકેટથી જીતી લીધી હતી.