24 December, 2024 09:56 AM IST | Bloemfontein | Gujarati Mid-day Correspondent
ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં સાઉથ આફ્રિકાનાં સૂપડાં સાફ કર્યાં પાકિસ્તાને.
બાવીસમી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી વન-ડે વરસાદને કારણે ૪૭ -૪૭ ઓવરની થઈ હતી. પાકિસ્તાની ટીમે પહેલાં બૅટિંગ કરીને ૯ વિકેટે ૩૦૮ રન બનાવ્યા હતા. જવાબમાં હેન્રિક ક્લાસેનની ૮૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ બાદ પણ સાઉથ આફ્રિકાની ટીમ ૪૨ ઓવરમાં ૨૭૧ રનમાં સમેટાઈ ગઈ હતી. વરસાદના વિઘ્ન વચ્ચે DLS મેથડ હેઠળ યજમાન ટીમને જીત માટે ૩૦૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ૨-૦થી T20 સિરીઝ જીતનાર સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાને પહેલી વન-ડે ૩ વિકેટે, બીજી વન-ડે ૮૧ રને અને ત્રીજી વન-ડે ૩૬ રને જીતીને ઇતિહાસ રચ્યો છે.
૩૩ વર્ષથી દુનિયાભરની ટીમો જે સપનું જોઈ રહી હતી એ પાકિસ્તાને હાંસલ કર્યું છે. એણે સાઉથ આફ્રિકા સામે તેમના ઘરઆંગણે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. સાઉથ આફ્રિકાની ધરતી પર વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ પણ બની છે. સાઉથ આફ્રિકા ૧૯૯૧-૯૨માં એની પ્રથમ વન-ડે સિરીઝ ભારત સામે રમ્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાન સાઉથ આફ્રિકાની ધરતી પણ ત્રણ વન-ડે સિરીઝ જીતનાર પહેલી એશિયન ટીમ પણ બની છે. પાકિસ્તાને આ પહેલાં ૨૦૧૩ અને ૨૦૨૧માં પણ સાઉથ આફ્રિકાને એની જ ધરતી પર વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું.
સૈમ અયુબે નાની ઉંમરમાં રચ્યા ઘણા મોટા કીર્તિમાન
આ સિરીઝની પહેલી વન-ડેમાં ૧૧૯ બૉલમાં ૧૦૯ રનની ઇનિંગ્સ રમનાર સૈમ અયુબે ત્રીજી મૅચમાં ૯૪ બૉલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ૨૨ વર્ષ ૨૧૨ દિવસના ઓપનિંગ બૅટર સૈમ અયુબે આ સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે બે સેન્ચુરી ફટકારીને પણ ઇતિહાસ રચ્યો છે. તે સાઉથ આફ્રિકા સામે બે વન-ડે સેન્ચુરી ફટકારનાર યંગેસ્ટ પ્લેયર બની ગયો છે. આ પહેલાં તે સાઉથ આફ્રિકા સામે ટાર્ગેટ ચેઝ કરતા સમયે સેન્ચુરી ફટકારનાર યંગેસ્ટ પ્લેયર બન્યો હતો.