૮૦૦ રનની ફાસ્ટેસ્ટ ઇનિંગ્સ અને ત્રણ વાર ૮૦૦ રન: ઇંગ્લૅન્ડ ફર્સ્ટ

11 October, 2024 09:45 AM IST  |  Multan | Gujarati Mid-day Correspondent

હૅરી બ્રુક ઇંગ્લૅન્ડ માટે ફાસ્ટેસ્ટ ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર બૅટર બન્યો, જો રૂટ ૨૦,૦૦૦ ઇન્ટરનૅશનલ રન બનાવનાર ઇંગ્લૅન્ડનો પહેલો બૅટર બન્યો

હૅરી બ્રુક

મુલતાન ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લૅન્ડના બૅટર્સે ૪૯૨/૩ના સ્કોરને ૮૨૩/૭ સુધી પહોંચાડીને પાકિસ્તાન સામે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પાકિસ્તાનની બીજી ઇનિંગ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. એક સમયે પચીસ ઓવરમાં ૮૨ના સ્કોર પર ૬ વિકેટ ગુમાવનાર પાકિસ્તાન ૩૭ ઓવરમાં માંડ-માંડ ૧૫૨ રન સુધી પહોંચી શક્યું છે અને હજી ૧૧૫ રન પાછળ છે.
ટેસ્ટ-ક્રિકેટની ૨૫૫૩મી મૅચ હંમેશાં રેકૉર્ડ બુકમાં વિશેષ યાદ રાખવામાં આવશે, કારણ કે આ મૅચમાં પહેલા દિવસથી અનેક રેકૉર્ડ તૂટ્યા છે. ૮૨૩ રનનો સ્કોર એ પાકિસ્તાનની ધરતી પર અને પાકિસ્તાન સામે કોઈ પણ ટીમનો પહેલો ૮૦૦ પ્લસનો સ્કોર છે. આ ૮૦૦ પ્લસ ટેસ્ટ-રનનો અને એક ટેસ્ટ-ઇનિંગ્સનો ચોથો સર્વોચ્ચ સ્કોર છે. ઇંગ્લૅન્ડ ૮૦૦ રન ફટકારનારી ફાસ્ટેસ્ટ ટીમ બની ગઈ છે. આ કમાલ ઇંગ્લૅન્ડે ૧૪૮ ઓવરમાં કરી છે. 

Pakistan vs England Test 1, Day 4: જો રૂટ અને હૅરી બ્રુકે બુધવારની ૨૪૩ રનની પાર્ટનરશિપ ગઈ કાલે ૪૫૪ સુધી પહોંચાડી દીધી હતી. હૅરી બ્રુક (૩૧૭ રન)ની ટ્રિપલ સેન્ચુરી ૩૧૦ બૉલમાં બની હતી, જે ઇંગ્લિશ બૅટર દ્વારા સૌથી ફાસ્ટેસ્ટ અને એકંદરે બીજી સૌથી ફાસ્ટેસ્ટ છે. સૌથી ફાસ્ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરી ૨૭૮ બૉલમાં ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દર સેહવાગે ૨૦૦૮માં સાઉથ આફ્રિકા સામે ફટકારી હતી. આ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમ માટેનો આ રેકૉર્ડ વૉલી હૅમન્ડના નામે હતો, જેણે ૧૯૩૩માં ન્યુ ઝીલૅન્ડ સામે ૩૫૫ બૉલમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. ઇંગ્લૅન્ડ માટે ૨૧મી સદીમાં પહેલી વાર કોઈ બૅટરે ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. છેલ્લે ઇંગ્લૅન્ડ માટે ગ્રેહામ ગૂચે ૧૯૯૦માં ભારત સામે ૩૩૩ રન ફટકાર્યા હતા.

હૅરી બ્રુક બન્યો નવો સુલતાન આૅફ મુલતાન

૨૦૦૪માં વીરેન્દર સેહવાગે પાકિસ્તાન સામે આ મેદાન પર ૩૦૯ રનની સૌથી મોટી ટેસ્ટ-ઇનિંગ્સ રમી હતી જેના કારણે તેને સુલતાન ઑફ મુલતાનનો ટૅગ મળ્યો હતો. હવે ૩૧૭ રનની આ ધમાકેદાર ઇનિંગ્સ રમીને હૅરી બ્રુક નવો સુલતાન ઑફ મુલતાન બન્યો છે. તે સેહવાગનો ૨૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડીને મુલતાનના આ મેદાન પર હાઇએસ્ટ ટેસ્ટ-ઇનિંગ્સ રમનાર બૅટર બની ગયો છે.

હૅરી બ્રુકનું પ્રદર્શન
રન    ૩૧૭
બૉલ    ૩૨૨
ચોગ્ગા    ૨૯
છગ્ગા    ૦૩
સ્ટ્રાઇક-રેટ    ૯૮.૪૫

ઇંગ્લૅન્ડ માટે પહેલી વાર કોઈ બૅટરે ફટકાર્યા ૨૦,૦૦૦ રન 

જો રૂટે ૨૬૨ રન બનાવીને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ માટે ૨૦,૦૦૦ રન ફટકારનાર પહેલો બૅટર બની ગયો છે અને તે વિરાટ કોહલી પછી આ કમાલ કરનાર બીજો સક્રિય ક્રિકેટર પણ બન્યો છે. તે આ માઇલસ્ટોન કરનાર ઓવરઑલ ૧૩મો ખેલાડી છે.  તેણે ૩૫૦ મૅચમાં ૫૧ સેન્ચુરી અને ૧૦૮ ફિફ્ટી સાથે ૪૯.૨૧ની સરેરાશથી ૨૦,૦૭૯ રન બનાવ્યા છે. તેણે ૧૪૭ ટેસ્ટ-મૅચમાં ૧૨,૬૬૪ રન, ૧૭૧ વન-ડેમાં ૬૫૨૨ રન અને ૩૨ T20 ઇન્ટરનૅશનલમાં ૮૯૩ રન બનાવ્યા છે.

જો રૂટનું પ્રદર્શનરન    ૨૬૨
બૉલ    ૩૭૫ 
ચોગ્ગા    ૧૭
છગ્ગા    ૦૦
સ્ટ્રાઇક-રેટ    ૬૯.૮૭

આ પહેલાં એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ૮૦૦ પ્લસનો સ્કોર ક્યારે થયો? 

શ્રીલંકાએ ૧૯૯૭માં ભારત સામે છ વિકેટે ૯૫૨ રન બનાવ્યા બાદ પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આ પહેલાં ઇંગ્લૅન્ડે ૧૯૩૮માં ઑસ્ટ્રેલિયા સામે સાત વિકેટે ૯૦૩ રન અને ૧૯૩૦માં 
વેસ્ટ ઇન્ડીઝ સામે ૮૪૯ રન બનાવ્યા હતા.

5.48
આટલાનો સ્ટ્રાઇક-રેટ રહ્યો ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સમાં જે ૭૦૦ પ્લસ રનના સ્કોરમાં ટીમનો હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટ છે

3
આટલી વાર એશિયામાં ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે જો રૂટ જે એક વિદેશી બૅટર દ્વારા હાઇએસ્ટ રેકૉર્ડ છે.

3
આટલી વાર ટેસ્ટની એક ઇનિંગ્સમાં બે બૅટર્સે ૨૫૦ પ્લસ રનનો સ્કોર ફટકાર્યો.

પહેલી ઇનિંગ્સનો સૌથી મોંઘો પાકિસ્તાની સ્પિનર હૉસ્પિટલમાં પહોંચ્યો 

મુલતાન ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાનના અબરાર અહમદે ૩૫ ઓવરમાં સૌથી વધુ ૧૭૪ રન આપી દીધા હતા. ૨૬ વર્ષનો આ લેગ-સ્પિનર એક પણ વિકેટ લેવામાં સફળ નહોતો રહ્યો. અહેવાલ અનુસાર ત્રીજા દિવસની રમત બાદ તે તાવ અને શરીર દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો જેને કારણે તે ચોથા દિવસની રમતમાં ઊતરવાને બદલે અનફિટ હોવાથી હૉસ્પિટલ ભેગો થયો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

pakistan england joe root test cricket cricket news sports news sports