27 October, 2024 10:59 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
સિરીઝ જીત્યા પછી ચૅમ્પિયન પાકિસ્તાન ટીમ
રાવલપિંડીમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ૯ વિકેટે વિજય મેળવીને પાકિસ્તાની ટીમે ૨-૧થી સિરીઝ જીતી છે. ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ્સ ૧૧૨ રનમાં સમેટાઈ ગઈ હતી જેને કારણે પાકિસ્તાનને જીતવા માટે ૩૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને યજમાન ટીમે એક વિકેટના નુકસાન સાથે લંચ પહેલાં ૩૭ રન બનાવીને ચેઝ કરી લીધો હતો. પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડનો ૨૬૭ રન અને પાકિસ્તાનનો ૩૪૪ રનનો સ્કોર રહ્યો હતો.
પાકિસ્તાન છેલ્લે ઇંગ્લૅન્ડ સામે નવેમ્બર ૨૦૧૫માં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. ઘરઆંગણે જાન્યુઆરી ૨૦૨૧માં સાઉથ આફ્રિકાને ૨-૦થી ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યા બાદ પાકિસ્તાન ગઈ કાલે
ટેસ્ટ-સિરીઝ જીતવામાં સફળ રહ્યું હતું.
ગયા વર્ષે ટેસ્ટ-કૅપ્ટનની જવાબદારી સંભાળનાર શાન મસૂદ માટે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ યાદગાર રહેશે. આ સિરીઝ દરમ્યાન તેણે કૅપ્ટન તરીકે પહેલી સેન્ચુરી ફટકારી, પહેલી ટેસ્ટ જીતી અને હવે ટેસ્ટ-સિરીઝ પણ જીતી લીધી. આ પહેલાં તેના નેતૃત્વમાં પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા સામે ૩-૦થી અને બંગલાદેશ સામે ૨-૦થી ટેસ્ટ-સિરીઝ હાર્યું છે. સ્પિનરો નોમાન અલી (૨૦ વિકેટ) અને સાજિદ ખાને (૧૯ વિકેટ) છેલ્લી બે ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ૪૦માંથી ૩૯ વિકેટ ઝડપી છે.