08 October, 2024 11:59 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન શાન મસૂદ
મુલતાન ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે શરૂ થયેલી ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચના પહેલા દિવસે યજમાન ટીમ પાકિસ્તાને ૮૬ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૨૮ રન ફટકાર્યા છે. પહેલી બૅટિંગ પસંદ કરીને કૅપ્ટન શાન મસૂદ (૧૫૧ રન) અને અબ્દુલ્લા શફીકે (૧૦૨ રન) બીજી વિકેટ માટે ૨૫૩ રનની પાર્ટનરશિપ કરી હતી. ઇંગ્લૅન્ડે અંતિમ સેશનમાં ત્રણ વિકેટ લઈને મૅચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો છે. દિવસની રમતના અંતે સઉદ શકીલ ૩૫ રન સાથે રમી રહ્યો છે જ્યારે નસીમ શાહે હજી ખાતું ખોલ્યું નથી. વિદેશી ધરતી પર પ્રથમ ટેસ્ટ રમી રહેલા ફાસ્ટ બોલર ગસ એટકિન્સને ૭૦ રનમાં બે વિકેટ ઝડપી હતી.
મુલતાન ટેસ્ટમાં સદી ફટકારીને અબ્દુલ્લા શફીકે પચીસ વર્ષની ઉંમર પહેલાં જ પાંચ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી છે. તેણે યુનિસ ખાન અને હનીફ મોહમ્મદ જેવા દિગ્ગજોની બરાબરી કરી છે. પચીસ વર્ષનો થતાં પહેલાં જાવેદ મિયાંદાદે સૌથી વધુ ૭ સદી ફટકારી હતી. સલીમ મલિકે ૬ ટેસ્ટ-સદી ફટકારી હતી. શાન મસૂદે ૧૫૨૪ દિવસ બાદ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી છે. છેલ્લે તેણે ઑગસ્ટ ૨૦૨૦માં મૅન્ચેસ્ટરમાં ૧૫૬ રનની ઇનિંગ્સ ઇંગ્લૅન્ડ સામે જ રમી હતી. ટેસ્ટ-કૅપ્ટન તરીકે પોતાની પહેલી સેન્ચુરી ફટકારીને તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર શાન ૧૭મો પાકિસ્તાની કૅપ્ટન બન્યો છે. અંગ્રેજો સામે પાકિસ્તાનના ૯ કૅપ્ટન સેન્ચુરી ફટકારી ચૂક્યા છે જેમાંથી ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે આ કમાલ કરનાર તે ઇન્ઝમામ-ઉલ-હક અને બાબર આઝમ બાદ ત્રીજો કૅપ્ટન છે. તેણે ૧૦૨ બૉલમાં સેન્ચુરી ફટકારી છે.