07 October, 2024 11:24 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટન્સ
આજથી મુલતાનમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સના સ્થાને ઓલી પોપ ઇંગ્લૅન્ડની કમાન સંભાળશે, જ્યારે પાકિસ્તાની ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદ પોતાની કૅપ્ટન્સીમાં ટીમને પહેલી જીત અપાવવા પર નજર રાખશે.
ઇંગ્લૅન્ડની ટીમે ૨૦૨૨-’૨૩માં પાકિસ્તાન આવીને ૩-૦થી ટેસ્ટ-સિરીઝ જીતી હતી. પાકિસ્તાનની ટીમ મે ૨૦૧૮થી ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ જીતી શકી નથી. પાકિસ્તાન છેલ્લે ૬ વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્સમાં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ટીમ ૨૦૧૫-’૧૬ બાદથી ટેસ્ટ-સિરીઝ પણ જીતી શકી નથી.
ફેબ્રુઆરી ૨૦૨૧માં ઘરઆંગણે સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ આ ટીમ પોતાની જ ધરતી પર ટેસ્ટ-જીત મેળવી શકી નથી. ત્યારથી હમણાં સુધીની ઘરઆંગણાની ૧૦ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૨૧ બાદ આ ટીમ કુલ ૨૩ ટેસ્ટ રમી છે જેમાંથી માત્ર ૮ ટેસ્ટમાં ટીમને જીત મળી છે, જ્યારે ૧૧ મૅચમાં હાર મળી અને ચાર મૅચ ડ્રૉ રહી હતી.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૮૯
ઇંગ્લૅન્ડની જીત - ૨૯
પાકિસ્તાનની જીત - ૨૧
ડ્રૉ - ૩૯
ભારતમાં ટેલિકાસ્ટ નહીં થાય, ફૅનકોડ ઍપ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.