29 March, 2023 12:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાન પહેલી વાર પાકિસ્તાન સામે સિરીઝ જીત્યું. રાશિદ ખાનની પાકિસ્તાન સામે કૅપ્ટન તરીકે આ પહેલી શ્રેણી હતી અને એમાં તે વિજયી થયો.
પાકિસ્તાન ટી૨૦માં ઇંગ્લૅન્ડ સામે ૨૦૧૬ની સાલમાં ૦-૩થી અને શ્રીલંકા સામે ૨૦૨૦માં પણ ૦-૩થી હારી ગયું હતું અને સોમવારે અફઘાનિસ્તાન સામે એવી ત્રીજી ઘટના બની શકે એમ હતી, પરંતુ શ્રેણીની પહેલી બન્ને મૅચ હારી ગયા પછી ત્રીજી અને આખરી મૅચમાં પાકિસ્તાને વિજય મેળવી પોતાનો ૦-૩નો વાઇટવૉશ રોક્યો હતો.
રાશિદ ખાનના સુકાનમાં અફઘાનિસ્તાને ૨૪ માર્ચે પાકિસ્તાનને પહેલી વાર ટી૨૦માં હરાવ્યું હતું અને પછી ૨૬ માર્ચે પણ જીતીને સિરીઝની ટ્રોફી પર કબજો કરી લીધો હતો. એ સાથે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે (ટી૨૦ તથા વન-ડે બન્નેના ઇતિહાસમાં) પહેલી વાર સિરીઝ તો જીતી લીધી, પણ પાકિસ્તાન સામે ક્લીન-સ્વીપ ન કરવા મળી.
શારજાહમાં પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ ઓપનર સઇમ અયુબ (૪૯ રન, ૪૦ બૉલ, બે સિક્સર, ચાર ફોર), ઇફ્તિખાર અહમદ (૩૧ રન, પચીસ બૉલ, બે સિક્સર) અને કૅપ્ટન શાદાબ ખાન (૨૮ રન, ૧૭ બૉલ, પાંચ ફોર)નાં યોગદાનોની મદદથી ૭ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ ૧૮.૪ ઓવરમાં ફક્ત ૧૧૬ રને ઑલઆઉટ થઈ જતાં ૬૬ રનથી હારી ગઈ હતી.
શાદાબ ખાને ૧૩ રનમાં ત્રણ અને ઇહસાનુલ્લાએ ૨૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. શાદાબને મૅચનો અને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને સિરીઝનો અવૉર્ડ અપાયો હતો.