09 January, 2025 09:48 AM IST | Kabul | Gujarati Mid-day Correspondent
યુનિસ ખાન
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં આયોજિત વન-ડે ફૉર્મેટની ટુર્નામેન્ટ માટે અફઘાનિસ્તાને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન યુનિસ ખાનને મેન્ટર બનાવ્યો છે. તે ૨૦૨૨માં અફઘાનિસ્તાનની ટીમનો બૅટિંગ-કોચ પણ હતો. તેની કૅપ્ટન્સીમાં ૨૦૦૯માં પાકિસ્તાને પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
આ નિર્ણય ICC ઇવેન્ટ માટે અફઘાનીઓનો વધુ એક માસ્ટરસ્ટ્રોક સમાન છે. આ પહેલાં તેમણે ૨૦૨૩માં ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ માટે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને મેન્ટર બનાવ્યો હતો. ૨૦૨૪માં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં આયોજિત T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોને બોલિંગ-સલાહકાર રૂપે સામે કર્યો હતો.
યજમાન દેશના સ્થાનિક ક્રિકેટ-નિષ્ણાતને કોચિંગ પર રાખીને અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં વન-ડે વર્લ્ડ કપમાં ટૉપ-એઇટમાં સામેલ થઈ હતી અને T20 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધી પહોંચી હતી. પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સફળ થવા તેમણે આ જ રણનીતિ અપનાવી છે.