25 November, 2024 10:11 AM IST | Harare | Gujarati Mid-day Correspondent
ઑલરાઉન્ડર સિકંદર રઝા ૩૯ રન અને બે વિકેટ સાથે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ગઈ કાલે ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની રોમાંચક શરૂઆત થઈ હતી. યજમાન ટીમે પહેલી વન-ડે DLS મેથડ હેઠળ ૮૦ રને જીતી હતી. પહેલાં બૅટિંગ કરતાં ઝિમ્બાબ્વેની ટીમ ૪૦.૨ ઓવરમાં ૨૦૫ રને ઑલઆઉટ થઈ હતી. વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાનને ૨૧ ઓવરમાં ૧૪૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ મહેમાન ટીમ ૨૧ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૬૦ રન જ બનાવી શકી. ઑલરાઉન્ડર સિંકદર રઝા ૩૯ રન અને બે વિકેટ સાથે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ત્રણ મૅચની સિરીઝમાં ઝિમ્બાબ્વેએ ૧-૦થી લીડ મેળવી છે.
ઝિમ્બાબ્વેએ ૯ વર્ષ બાદ પાકિસ્તાન સામે વન-ડે મૅચમાં જીત નોંધાવી છે. છેલ્લે ઑક્ટોબર ૨૦૧૫માં ઝિમ્બાબ્વે પાકિસ્તાનને વન-ડેમાં પાંચ રને હરાવવામાં સફળ રહ્યું હતું. ત્યારથી હમણાં સુધી બન્ને ટીમ વચ્ચે ૧૦ વન-ડે રમાઈ છે જેમાંથી પાકિસ્તાને સતત આઠ જીત બાદ નવેમ્બર ૨૦૨૦માં એક ટાઇ રમી હતી. હવે ૯ વર્ષ બાદ પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે અને ઝિમ્બાબ્વેમાં વન-ડે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઝિમ્બાબ્વે પાસે પાકિસ્તાન સામે પહેલી વાર વન-ડે સિરીઝ જીતવાની તક છે.