વિલિયમસનની પાંચમી ડબલ સેન્ચુરીએ પાકિસ્તાનને મુસીબતમાં મૂકી દીધું

30 December, 2022 04:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઓપનર અબદુલ્લા શફીક (૧૭) અને શાન મસૂદ (૧૦) વિકેટ ગુમાવી બેઠા હતા

કરાચીમાં ગઈ કાલે બૅટર કેન વિલિયમસન સાથે મજાકના મૂડમાં પાકિસ્તાનનો સ્પિનર અબ્રાર અહમદ. (તસવીર : એ.એફ.પી.)

કરાચીની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલના ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે ભૂતપૂર્વ ટેસ્ટ-કૅપ્ટન કેન વિલિયમસન (૨૦૦ અણનમ, ૩૯૫ બૉલ, ૫૯૩ મિનિટ, એક સિક્સર, એકવીસ ફોર)ની પાંચમી ડબલ સેન્ચુરીની મદદથી ૬૧૨/૯ના સ્કોરે પહેલો દાવ ડિક્લેર કર્યો હતો અને બીજા દાવમાં ૧૭૪ રનની સરસાઈ લીધી હતી. પાકિસ્તાને બીજા દાવમાં ૭૭ રનમાં બે વિકેટ ગુમાવી દેતાં હજી ૯૭ રન પાછળ હોવાથી આજે ન્યુ ઝીલૅન્ડને જીતવાનો મોકો મળી શકે. ઓપનર અબદુલ્લા શફીક (૧૭) અને શાન મસૂદ (૧૦) વિકેટ ગુમાવી બેઠા હતા. ઇમામ-ઉલ-હક ૪૫ રન અને નાઇટ-વૉચમૅન નૉમન અલી ૪ રને રમી રહ્યા હતા.

ગઈ કાલે કૅપ્ટન ટિમ સાઉધીએ જે ઇનિંગ્સ ડિક્લેર કરી એમાં પાકિસ્તાન વતી અબ્રાર અહમદે પાંચ અને નૌમન અલીએ ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાનના પહેલા દાવમાં ૪૩૮ રન હતા.

233
કેન વિલિયમસને ૨૦૧૯ની સાલ બાદ ૮ ટેસ્ટમાં કુલ આટલા રન બનાવ્યા હતા, પરંતુ ગઈ કાલે તેણે એક જ દાવમાં અણનમ ૨૦૦ રન કર્યા હતા.

sports sports news cricket news south africa new zealand