પાંત્રીસમી ટેસ્ટ-સદી ફટકારીને ગાવસકર, લારા, જયવર્દને અને યુનિસ ખાનથી આગળ નીકળ્યો જો રૂટ

10 October, 2024 09:57 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ માટે સૌથી મોટી ૨૪૩ રનની પાર્ટનરશિપ કરી હૅરી બ્રુક સાથે મળીને : ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે ૪૯૨ રન, પાકિસ્તાનથી હજી ૬૪ રન પાછળ

જો રૂટે ૧૭૬ રન ફટકાર્યા હતા

મુલતાનમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડની ટીમે ૯૬/૧થી ઇનિંગ્સની શરૂઆત કરીને સ્કોર ૪૯૨/૩ સુધી પહોંચાડ્યો છે. પાકિસ્તાન સામે પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમ હજી ૬૪ રન પાછળ છે. જો રૂટ અને હૅરી બ્રુકે ઇંગ્લૅન્ડ માટે ચોથી વિકેટ માટે ૨૪૩ રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડનો સ્કોર ૫૦૦ રનની નજીક પહોંચાડી દીધો છે. પાકિસ્તાની બોલર્સને જૂના બૉલથી વધારે રિવર્સ સ્વિંગ મળતો જોવા નથી મળી રહ્યો. ત્રીજા દિવસે જો રૂટે (૧૭૬ રન) ટેસ્ટ-કરીઅરની ૩૫મી અને હૅરી બ્રુકે (૧૪૧ રન) છઠ્ઠી સેન્ચુરી ફટકારી હતી. 

બન્નેએ ધમાકેદાર ઇનિંગ્સ રમીને પાર્ટનરશિપના બે રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા. પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની કોઈ પણ વિકેટ માટેની આ હાઇએસ્ટ પાર્ટનરશિપ છે. આ પહેલાં ૨૦૨૨માં રાવલપિંડીમાં પ્રથમ વિકેટ માટે ઝૅક ક્રૉલી અને બેન ડકેટ દ્વારા ૨૩૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. પાકિસ્તાન સામે ચોથી વિકેટ માટેની ઇંગ્લૅન્ડની સૌથી મોટી પાર્ટનરશિપ હતી. આ પહેલાં ૨૦૦૬માં લૉર્ડ‍્સમાં ઍલિસ્ટર કુક અને પૉલ કૉલિંગવુડે પાકિસ્તાન સામે ચોથી વિકેટ માટે ૨૩૩ રનની પાર્ટનરશિપ કરી હતી. ગઈ કાલે ૩૨ રનથી ઇનિંગ્સની શરૂઆત કરનાર જો રૂટે ઝૅક ક્રૉલી (૭૮ રન) સાથે ૧૦૯ રન અને બેન ડકેટ (૮૪ રન) સાથે ૧૩૬ રનની પાર્ટનરશિપ કરી હતી.  

જ્યારે ત્રીજા દિવસે જો રૂટે ૭૧ રન બનાવ્યા ત્યારે તેણે કુકનો રેકૉર્ડ તોડ્યો અને ક્રિકેટના સૌથી લાંબા ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તે કુકના ૧૨,૪૭૨ રનના સ્કોરથી આગળ નીકળી ગયો જ્યારે તે ચોગ્ગો ફટકારીને ૭૧ રન સુધી પહોંચ્યો હતો. ટેસ્ટ-ક્રિકેટના હાઇએસ્ટ રન સ્કોરરના ઓવરઑલ લિસ્ટમાં તે પાંચમા ક્રમે છે. ટેસ્ટ-કરીઅરની ૩૫મી સેન્ચુરી ફટકારીને તેણે ૩૪-૩૪ ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર માહેલા જયવર્દને, બ્રાયન લારા, સુનીલ ગાવસકર અને યુનિસ ખાનને પાછળ છોડીને લિસ્ટમાં છઠ્ઠા ક્રમે સ્થાન મેળવ્યું છે.

51- આટલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી છે ઇંગ્લૅન્ડના જો રૂટે. તેણે અત્યાર સુધીમાં વન-ડેમાં ૧૬ અને ટેસ્ટમાં ૩૫ સેન્ચુરી ફટકારી છે.

દ્રવિડની બરાબરી
ટેસ્ટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર કરવા મામલે તેણે ભારતના રાહુલ દ્રવિડની બરાબરી કરી છે. બન્નેએ ટેસ્ટમાં ૯૯ વાર આ કમાલ કરી છે. સચિન તેન્ડુલકરે સૌથી વધારે ૧૧૯ વાર ફિફ્ટી પ્લસ સ્કોરની ટેસ્ટ-ઇનિંગ્સ રમી છે.

બ્રુકે કયો રેકૉર્ડ કર્યો


પચીસ વર્ષનો હૅરી બ્રુક પાકિસ્તાનની ધરતી પર ૬ ઇનિંગ્સ રમીને સતત ચાર ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર પહેલો અને ફાસ્ટેસ્ટ બૅટર બની ગયો છે. ૨૦૨૨માં પાકિસ્તાનમાં આયોજિત 
ટેસ્ટ-સિરીઝમાં તેણે ત્રણ સેન્ચુરી ફટકારી હતી. આ ટેસ્ટ-સિરીઝમાં વધુ એક સેન્ચુરી ફટકારીને તે પાકિસ્તાનમાં સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર વિદેશી બૅટર બની જશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં આ તેની પાંચમી સેન્ચુરી છે.

pakistan england cricket news joe root test cricket brian lara sunil gavaskar sports news sports