14 October, 2024 11:19 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ (ઉપર ડાબે), નસીમ શાહ (ઉપર જમણે), સરફરાઝ અહમદ (નીચે ડાબે), શાહીન શાહ આફ્રિદી (નીચે જમણે)
મુલતાનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે કારમી હાર મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક કડક નિર્ણય લીધો છે. સિરીઝની બીજી અને ત્રીજી ટેસ્ટ માટે ગઈ કાલે યજમાન ટીમની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી જેમાં બાબર આઝમ, નસીમ શાહ, સરફરાઝ અહમદ અને શાહીન શાહ આફ્રિદીને સ્થાન મળ્યું નથી.
પાકિસ્તાન બોર્ડે મુખ્ય પ્લેયર્સનાં વર્તમાન ફૉર્મ, ફિટનેસ અને ૨૦૨૪-’૨૫ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સીઝનમાં પાકિસ્તાનના ભાવિ શેડ્યુલને ધ્યાનમાં રાખીને આ ખેલાડીઓને આરામ અપાયો હોવાની વાત કરી હતી; જ્યારે ડેન્ગી તાવમાંથી સ્વસ્થ થઈ રહેલો અબ્રાર અહમદ સિલેક્ટર્સ માટે ઉપલબ્ધ નહોતો.
આ સ્ટાર ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી કંગાળ પ્રદર્શન કરી રહ્યા છે. ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ ડિસેમ્બર ૨૦૨૨ બાદથી એક પણ ટેસ્ટ-ફિફ્ટી નોંધાવી શક્યો નથી. ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટમાં તેણે કુલ ૩૫ રન કર્યા હતા.
તેમના સ્થાને ત્રણ અનકૅપ્ડ ખેલાડી સહિત પાંચ ક્રિકેટર્સને ટીમમાં સ્થાન મળ્યું છે. અનુભવી ફર્સ્ટ ક્લાસ બૅટ્સમૅન કામરાન ગુલામ અને વિકેટકીપર હસીબુલ્લાહ સાથે સ્પિનર મેહરાન મુમતાઝ ઇંગ્લૅન્ડ સામે ડેબ્યુ કરી શકે છે. એ સિવાય અનુભવી સ્પિનર્સ સાજિદ ખાન અને નોમાન અલીની ટીમમાં વાપસી થઈ છે. ત્રણ મૅચની સિરીઝની બીજી ટેસ્ટ ૧૫ ઑક્ટોબરથી અને ત્રીજી ટેસ્ટ ૨૪ ઑક્ટોબરથી રમાશે.
ફખર ઝમાનની કઈ ટ્વીટથી નારાજ થયું પાકિસ્તાન બોર્ડ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બાબર આઝમને ટેસ્ટ-ટીમમાંથી બહાર કરવાના સિલેક્શન પૅનલના નિર્ણય પર સવાલ ઉઠાવતા ફખર ઝમાનના ટ્વીટ પર ગઈ કાલે નારાજગી વ્યક્ત કરી હતી. ૩૪ વર્ષના આ પાકિસ્તાની ક્રિકેટરે ટ્વિટર પર લખ્યું હતું, ‘બાબર આઝમની હકાલપટ્ટી વિશે સાંભળીને ચિંતા થઈ. ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્ચે જ્યારે વિરાટ કોહલીની બૅટિંગ-ઍવરેજ અનુક્રમે ૧૯.૩૩, ૨૮.૨૧ અને ૨૬.૫૦ હતી ત્યારે ભારતે વિરાટ કોહલીને તેના નબળા સમયમાં બહાર નહોતો કર્યો. જો તમે અમારા મુખ્ય બૅટ્સમૅનને બહાર કરવાનો વિચાર કરી રહ્યા છો તો એ ટીમને નકારાત્મક સંદેશ આપે છે. આપણા મુખ્ય ખેલાડીઓને નબળા પાડવાને બદલે આપણે તેમની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’