01 December, 2024 10:39 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent
કેન વિલિયમસન
ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ હવે એના નિર્ણાયક તબક્કામાં છે. ઇંગ્લૅન્ડની ટીમ ગઈ કાલે પહેલી ઇનિંગ્સમાં ૪૯૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી, જ્યારે પહેલી ઇનિંગ્સમાં ૩૪૮ રન ફટકારનાર ન્યુ ઝીલૅન્ડની ટીમ ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ ગુમાવીને ૧૫૫ રન ફટકારી શકી હતી. બીજી ઇનિંગ્સની શરૂઆતમાં તેઓ ઇંગ્લૅન્ડથી ૧૫૧ રન પાછળ હતા. ગઈ કાલે દિવસના અંતે તેમની પાસે ચાર રનની લીડ છે.
ગઈ કાલે ૩૧૯/૫ના સ્કોરે નવા દિવસની શરૂઆત કરતાં ઇંગ્લૅન્ડે ૩૩ ઓવરમાં બાકીની પાંચ વિકેટ ગુમાવીને ૧૮૦ રન ઉમેર્યા હતા. બૅટર હૅરી બ્રુકે પોતાની ઇનિંગ્સ ૧૩૨થી ૧૭૧ રન સુધી પહોંચાડી હતી, જ્યારે કૅપ્ટન બેન સ્ટોક્સ ૩૭ રનના પોતાના વ્યક્તિગત સ્કોરને ૮૦ રન સુધી લઈ ગયો હતો. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૯૮ બૉલમાં ૧૫૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. બેન સ્ટોક્સે બોલર ગસ ઍટકિન્સન (૪૮ રન) સાથે આઠમી વિકેટ માટે ૫૩ બૉલમાં ૬૩ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર નૅથન સ્મિથ તેની પહેલી ટેસ્ટમાં મોંઘો સાબિત થયો છે. તેણે ૨૬ ઓવરમાં એક પણ મેઇડન ઓવર ફેંક્યા વગર સૌથી વધુ ૧૪૧ રન આપી દીધા છે.
ન્યુ ઝીલૅન્ડની બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને બ્રાયડન કાર્સે ત્રણ-ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. બીજી ઇનિંગ્સમાં અનુભવી બૅટર કેન વિલિયમસન (૬૧ રન) જ ટીમ માટે ફિફ્ટી ફટકારી શક્યો હતો. દિવસના અંતે ડેરિલ મિચલ (૩૧ રન) અને નૅથન સ્મિથ (૧ રન) ક્રીઝ પર હતા. ઇંગ્લૅન્ડની જબરદસ્ત વાપસીને કારણે ન્યુ ઝીલૅન્ડની ટીમ ઘરઆંગણે આ ટેસ્ટ ગુમાવવાની અણીએ આવી ગઈ છે.
કેન વિલિયમસન ૯૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર પહેલો કિવી બૅટર બન્યો
પહેલી ઇનિંગ્સમાં ૯૩ રનની ઇનિંગ્સ રમનાર કેન વિલિયમસને બીજી ઇનિંગ્સમાં ૮૭ બૉલમાં સાત ચોગ્ગા ફટકારી ૬૧ રનની ઇનિંગ્સ રમી હતી. બીજી ઇનિંગ્સમાં ૨૬ રનનો આંકડો વટાવ્યો ત્યારે તે ૯૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર પહેલો કિવી બૅટર બન્યો છે. તેના પછી ન્યુ ઝીલૅન્ડ માટે ભૂતપૂર્વ ક્રિકેટર રૉસ ટેલરે સૌથી વધુ ૭૬૮૪ રન ફટરાર્યા છે એટલે કે તે ન્યુ ઝીલૅન્ડ માટે ટેસ્ટમાં ૮૦૦૦ રન અને ૯૦૦૦ રન ફટકારનાર પહેલો બૅટર છે. તે ૯૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર દુનિયાનો ૧૯મો બૅટર બન્યો છે.