04 September, 2024 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની રેસ વચ્ચે દુનિયાભરના ક્રિકેટ ફૅન્સની નજર બાવીસમી નવેમ્બરથી શરૂ થતી બૉર્ડર-ગાવસકર ટ્રોફી પર છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમના દિગ્ગજ ક્રિકેટર્સ પણ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ઉત્સાહિત છે. સ્ટાર સ્પોર્ટ્સના એક ઇન્ટરવ્યુમાં ઑસ્ટ્રેલિયન દિગ્ગજોએ ભારતીય ટીમ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં છે.
કૅપ્ટન પૅટ કમિન્સે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી બે ટેસ્ટ-સિરીઝમાં અમને સફળતા મળી નહોતી. અમે ભારત સામે ટેસ્ટ-સિરીઝ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. હવે એને સુધારવાનો સમય છે. અમે ભારત સામે સતત રમી રહ્યા છીએ અને એણે અમને હરાવ્યા છે, પરંતુ અમે તેમની સામે ઘણી જીત નોંધાવી છે. ૨૦૨૩ની WTC ફાઇનલમાં ભારત સામે મળેલી જીતથી અમે પ્રેરણા લઈશું. હું બૉર્ડર-ગાવસકર ટ્રોફીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.’
સ્ટીવ સ્મિથે કહ્યું, ‘ભારતની ટીમ ઘણી સંતુલિત છે અને ઑસ્ટ્રેલિયાની કસોટી થશે.’ મૅક્સવેલે કહ્યું કે ‘બન્ને ટીમોએ રૅન્કિંગમાં ઘણાં સ્થાનોની અદલાબદલી કરી છે. ફૉર્મેટ ગમે એ હોય, તમે બન્ને ટીમોને વર્લ્ડ રૅન્કિંગમાં કોઈ ને કોઈ નંબર વન પર જોશો. આ બન્ને ટીમો રમે છે ત્યારે મૅચ જોવી જ જોઈએ.’