28 March, 2023 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીતે સૌપ્રથમ ડબ્લ્યુપીએલ જીતતાં મન મૂકીને સેલિબ્રેશન કર્યું હતું
સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં ફોર્થ-હાઇએસ્ટ ૨૮૧ રન બનાવનાર હરમનપ્રીત કૌરે રવિવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ વિમેનને ઐતિહાસિક ટ્રોફી અપાવ્યા પછી કહ્યું કે ‘ડબ્લ્યુપીએલમાં અમને અભૂતપૂર્વ અને ઉત્કૃષ્ટ અનુભવ મળ્યો. મને તો હજી પણ એવું લાગી રહ્યું છે કે આ સપનું છે કે શું? મારી ટીમની દરેક પ્લેયરને આવું લાગી રહ્યું છે. ઘણા વખતથી ઘણા લોકો અમને પૂછી રહ્યા હતા કે મહિલાઓ માટેની આઇપીએલ ક્યારે શરૂ થશે. જુઓ, આજે પહેલી યાદગાર ડબ્લ્યુપીએલ પૂરી પણ થઈ ગઈ અને અમે પ્રથમ ટ્રોફી જીત્યાનો બેહદ આનંદ માણી રહ્યાં છીએ.’
વિમેન્સ ઇન્ટરનૅશનલ્સમાં ભારત એકેય મોટી ટ્રોફી નથી જીતી શક્યું, પરંતુ ચૅમ્પિયન-કૅપ્ટન હરમનપ્રીતે રવિવારે પહેલી ડબ્લ્યુપીએલ ટ્રોફી જીતીને કહ્યું કે ‘હું ઘણી ખુશ છું અને આખી ટીમ પર ખૂબ ગર્વ અનુભવું છું. બૅટિંગ લાઇન-અપ જ એટલી બધી લાંબી હતી કે વિજય મળવાનો ભરપૂર આત્મવિશ્વાસ હતો. દરેક ખેલાડી પોતાની જવાબદારી સમજીને રમી અને જે યોજના ઘડી હતી એ મુજબ જ રમી. હવે અમે ચૅમ્પિયન બની ગયાં છીએ અને ડ્રેસિંગરૂમમાં પ્રત્યેક જણ અત્યંત આનંદિત છે. હું લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. કોઈને ટ્રોફી જીત્યાનો જે બેહદ આનંદ થાય છે એ હવે હું પોતે અનુભવી રહી છું. અમે ટુર્નામેન્ટમાં શરૂઆતથી પૉઝિટિવ અપ્રોચ સાથે જ મેદાન પર ઊતરવાનું નક્કી કર્યું હતું. હવે અમે આવતા વર્ષની ડબ્લ્યુપીએલની ઉત્સાહભેર રાહ જોઈશું.’
. પછીથી ઇનામ-વિતરણ સમારંભમાં તેને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ચૅમ્પિયનપદ બદલ ૬ કરોડ રૂપિયાનો પ્રતીકાત્મક ચેક આપ્યો હતો. એ વખતે બીસીસીઆઈના પ્રમુખ રૉજર બિન્ની પણ ઉપસ્થિત હતા. તસવીર આશિષ રાજે
મુંબઈ ઇન્ડિયન્સની હૅલી મૅથ્યુઝ એવી આટલામી ઓપનિંગ બૅટર છે જે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કૅપ જીતી છે. આવું તો આઇપીએલમાં પણ કદી નથી બન્યું.
કોને કયો અવૉર્ડ મળ્યો?
(૧) મુંબઈ ઇન્ડિયન્સ : ચૅમ્પિયન્સ ટ્રોફી (કુલ ૬ કરોડ રૂપિયા)
(૨) દિલ્હી કૅપિટલ્સ : રનર્સ-અપ ટ્રોફી (કુલ ૩ કરોડ રૂપિયા)
(૩) યુપી વૉરિયર્ઝ : ત્રીજા સ્થાને (કુલ ૧ કરોડ રૂપિયા)
(૪) ઑરેન્જ કૅપ : મેગ લૅનિંગ (દિલ્હી), ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૩૪૫ રન
(૫) પર્પલ કૅપ : હૅલી મૅથ્યુઝ (મુંબઈ), ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૬ વિકેટ ઉપરાંત ૫.૯૪નો બેસ્ટ ઇકૉનૉમી રેટ
(૬) પ્લેયર ઑફ ધ સિરીઝ : હૅલી મૅથ્યુઝ (મુંબઈ)
(૭) ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ સીઝન અવૉર્ડ : યાસ્તિકા ભાટિયા (મુંબઈ), ૨૧૪ રન, ૬ કૅચ, ૭ સ્ટમ્પિંગ
(૮) પ્લેયર ઑફ ધ ફાઇનલ : નૅટ સિવર-બ્રન્ટ (મુંબઈ)
(૯) મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર ઑફ ધ સીઝન : નૅટ સિવર-બ્રન્ટ (મુંબઈ)
(૧૦) બેસ્ટ કૅચ ઑફ ધ સીઝન : હરમનપ્રીત કૌર (મુંબઈ), યુપીની દેવિકા વૈદ્યનો કૅચ
(૧૧) ફેર પ્લે અવૉર્ડ : મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ (સંયુક્ત)
(૧૨) પાવર સ્ટ્રાઇકર ઑફ ધ ટુર્નામેન્ટ : સૉફી ડિવાઇન (બૅન્ગલોર), ૧૩ સિક્સર
44
ડબ્લ્યુપીએલમાં બાઉન્ડરી લાઇન આટલા મીટર શૉર્ટ હતી.
3.70
મેન્સ પાકિસ્તાન સુપર લીગમાં ચૅમ્પિયન ટીમને આટલા કરોડ રૂપિયા મળ્યા. આ રકમ ભારતની ડબ્લ્યુપીએલની વિજેતા ટીમના ૬ કરોડ રૂપિયા કરતાં ઘણા ઓછા છે.
હૅલી મૅથ્યુઝને ઑક્શનના પહેલા રાઉન્ડમાં કોઈએ નહોતી લીધી!
દોઢ મહિના પહેલાં જે પહેલું ઑક્શન યોજાયું હતું એના પ્રથમ રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડીઝની ઑલરાઉન્ડર હૅલી મૅથ્યુઝને એક પણ ટીમના ફ્રૅન્ચાઇઝીએ નહોતી ખરીદી, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે પછીથી તેને ૪૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મેળવી હતી. હૅલીએ ટીમને બહુ મોટો બદલો આપ્યો. તેણે ૧૦ મૅચમાં (ફિફ્થ-હાઇએસ્ટ) ૨૭૧ રન બનાવ્યા, (હાઇએસ્ટ) ૧૬ વિકેટ લીધી અને પાંચ કૅચ પણ પકડ્યા. તે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતી છે.
આ પણ વાંચો: દિલ્હીને પછાડીને મુંબઈની મહારાણીઓ ચૅમ્પિયન
ડબ્લ્યુપીએલથી વિવિધ દેશોની ખેલાડીઓ વચ્ચે બહુ સારી ફ્રેન્ડશિપ થઈ છે. મેં તો શનિવારે ટીમની બધી ખેલાડીઓને પ્રૅક્ટિસમાંથી રજા આપી દીધી હતી. તેઓ ખૂબ થાકી ગઈ હતી એટલે તેમને આરામની જરૂર હતી. હરમન અસાધારણ કૅપ્ટન છે. - (શાર્લોટ એડ્વર્ડ્સ, મુંબઈ ઇન્ડિયન્સની હેડ-કોચ)
રવિવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામેની રોમાંચક ફાઇનલ છેલ્લે રસાકસીના તબક્કામાં હતી ત્યારે વિજયની આશા સાથે ઈશ્વરને પ્રાર્થના કરી રહેલાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમનાં ઓનર નીતા અંબાણી (ડાબે). નૅટ સિવર-બ્રન્ટે વિનિંગ ફોર ફટકારતાં ઐતિહાસિક વિજય મળતાં નીતા અંબાણી ટીમની ખેલાડી સાથે રોમાંચિત થઈ ગયાં હતાં (વચ્ચે). તેમણે અત્યંત આનંદિત થઈને પુત્ર આકાશ સાથે ટ્રોફી લઈને પોઝ આપ્યો હતો (જમણે). તસવીર આશિષ રાજે
કોચ તરીકે આ મારું પહેલું જ અસાઇનમેન્ટ હતું અને એનો મને અદ્ભુત અનુભવ મળ્યો. લૉટ્ટી (હેડ-કોચ શાર્લોટ)એ આગેવાની સંભાળીને ટીમને ચૅમ્પિયન બનવા બહુ સારી રીતે તૈયાર કરી હતી. તેનો ખૂબ-ખૂબ આભાર. ટીમની દરેક ખેલાડી ભરપૂર આત્મવિશ્વાસથી રમી. - (ઝુલન ગોસ્વામી, મુંબઈ ઇન્ડિયન્સની મેન્ટર અને બોલિંગ-કોચ)
સૌપ્રથમ ડબ્લ્યુપીએલની આંકડાબાજી