12 February, 2025 08:17 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૅમ્પિયન્સ ટ્રોફીની ૧૨ લીગ સ્ટેજ મૅચ માટે મૅચ-અધિકારીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાંથી ૨૩ ફેબ્રુઆરીએ દુબઈમાં આયોજિત ભારત અને પાકિસ્તાનની મૅચ માટે મોટા ભાગના અધિકારી ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના છે. ઑસ્ટ્રેલિયાના પૉલ રાઇફલ અને ઇંગ્લૅન્ડના રિચર્ડ ઇલિંગવર્થને ઑન-ફીલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇંગ્લૅન્ડના માઇકલ ગૉફ ટીવી-અમ્પાયર અને ઑસ્ટ્રેલિયાના ડૅવિડ બૂન મૅચ-રેફરીની ભૂમિકા ભજવશે, જ્યારે સાઉથ આફ્રિકાના ઍડ્રિયન હોલ્ડસ્ટૉકને ફૉર્થ અમ્પાયરની જવાબદારી મળી છે.
મૅચ-અધિકારી અને અમ્પાયર્સના લિસ્ટમાં એક પણ ભારતીયનું નામ નથી, કારણ કે ભારતીય ક્રિકેટના ટોચના અધિકારી જાવાગલ શ્રીનાથ અને અમ્પાયર નીતિન મેનન અલગ-અલગ કારણસર આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે એમ નથી.