વિરાટ-અનુષ્કા સાથેના નીતીશના ફોટોમાં શું ખાસ છે?

10 December, 2024 12:39 PM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

૨૧ વર્ષનો નીતીશ કુમાર રેડ્ડી વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે અને તેની બૅટિંગ જોઈને જ તે ક્રિકેટ રમતો થયો છે. હવે તેની સાથે જ ક્રિકેટ રમવાના તેના સપનાને પૂરું થયેલું જોઈને તેણે પોતાની જર્નીની વાત કરી છે.

નીતીશે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથેનો પોતાનો એક સેલ્ફી પોસ્ટ કરી

૨૧ વર્ષનો નીતીશ કુમાર રેડ્ડી વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે અને તેની બૅટિંગ જોઈને જ તે ક્રિકેટ રમતો થયો છે. હવે તેની સાથે જ ક્રિકેટ રમવાના તેના સપનાને પૂરું થયેલું જોઈને તેણે પોતાની જર્નીની વાત કરી છે.

નીતીશ વિરાટ કોહલીનો જબરદસ્ત ફૅન છે. તેની ઇચ્છા હતી કે જ્યારે વિરાટ કોહલી ભારત માટે ક્રિકેટ રમતો હોય ત્યારે જ તે તેની સાથે ક્રિકેટ રમતો હોય અને આ માટે તે ગણતરી કરતો હતો કે વિરાટ કોહલી ક્યારે રિટાયર થશે અને એ પહેલાં પોતે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકશે કે નહીં. ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં તેણે ટેસ્ટક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને વિરાટ કોહલીએ જ તેને ટેસ્ટકૅપ પહેરાવી હતી.

નીતીશે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથેનો પોતાનો એક સેલ્ફી પોસ્ટ કરીને તેની લાઇફ-જર્ની વિશે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની વેબસાઇટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં તેણે કહ્યું છે, ‘આ મારો સેફ્ટી ફોટો છે, આ એ સમયનો છે જ્યારે તેઓ (વિરાટ કોહલી) ખૂબ જ લોકપ્રિય હતા. એ સમયે મેં વિચાર્યું હતું કે જો મને તેમની સાથે ફોટો લેવાનો ચાન્સ ન મળે તો હાલમાં આ સેલ્ફી લઈ લઉં, એ મને મારા બાળપણના સપનાની યાદ દેવડાવતી રહેશે. બાળપણથી હું વિરાટભાઈનો ખૂબ મોટો પ્રશંસક હતો. તેમની બધી મૅચો હું જોતો હતો. તેઓ સેન્ચુરીનું જે સેલિબ્રેશન કરતા એ મને ખૂબ ગમતું હતું. એ સમયે હું મારી ઉંમરની ગણતરી કરતો રહેતો હતો કે હું જ્યારે ટીમમાં ડેબ્યુ કરું ત્યારે તેઓ રિટાયર ન થયા હોય.’

નીતીશે તેની ક્રિકેટ-કરીઅર માટે પપ્પાએ આપેલા બલિદાનની વાત પણ કરી હતી. તેણે કહ્યું, ‘પ્રામાણિકપણે કહું તો હું જ્યારે યુવાન હતો ત્યારે બહુ ગંભીર નહોતો. મારા પપ્પાએ મારા માટે તેમની નોકરી છોડી દીધી હતી. એક દિવસ મેં જોયું કે નાણાકીય સંકડામણને કારણે મારા પપ્પા રડી રહ્યા હતા. એ સમયે મને લાગ્યું કે મારે ઘણી મહેનત કરવી પડશે, મારા પપ્પા મારા માટે બલિદાન આપી રહ્યા છે અને હું ક્રિકેટ માત્ર મોજ ખાતર રમી રહ્યો છું. મેં નિર્ણય કર્યો કે હું ગંભીરતાથી ક્રિકેટ રમીશ અને એક વર્ષમાં મેં મારામાં બદલાવ જોયો અને મેં જે સખત મહેનત કરી એ ઊગી નીકળી.’

nitish kumar reddy virat kohli anushka sharma virat anushka cricket news sports news sports