10 December, 2024 12:39 PM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
નીતીશ કુમાર રેડ્ડી
પર્થ ટેસ્ટમાં ઇન્ટરનૅશનલ ટેસ્ટ-ડેબ્યુ કરનાર ૨૧ વર્ષના નીતીશ કુમાર રેડ્ડીએ પહેલી બે ટેસ્ટ-મૅચમાં એક મોટો રેકૉર્ડ તોડીને બે શાનદાર રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી છે. પર્થ અને ઍડીલેડ ટેસ્ટમાં મળીને તેણે કુલ ૭ સિક્સર ફટકારી છે. તે ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ-સિરીઝ દરમ્યાન સૌથી વધુ ૭ સિક્સર ફટકારનાર ભારતીય બૅટર બની ગયો છે. તેણે આ લિસ્ટમાં નંબર વન પર રહેલા વીરેન્દર સેહવાગ અને મુરલી વિજયનો ૬ સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે.
નીતીશે પોતાની પહેલી ચાર ઇનિંગ્સમાં અનુક્રમે ૪૧, ૩૮*, ૪૨ અને ૪૨ રનની ઇનિંગ્સ રમી હતી. તે પોતાની પહેલી ચાર ટેસ્ટ-ઇનિંગ્સમાંથી ત્રણ ઇનિંગ્સમાં ટીમનો ટૉપસ્કોરર બનનાર સુનીલ ગાવસકર બાદ બીજો ભારતીય અને ઓવરઑલ આઠમો ક્રિકેટર બન્યો છે. સુનીલ ગાવસકરે ૧૯૭૧માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ડેબ્યુ ટેસ્ટ-સિરીઝમાં આ કમાલ કરી હતી.
ઑલરાઉન્ડર નીતીશ નંબર સાત અથવા એનાથી નીચલા ક્રમે બૅટિંગ કરીને ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં ટીમ માટે ટૉપસ્કોર બનાવનાર ચોથો ભારતીય પણ બન્યો છે. આ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ૧૯૬૧માં ચંદુ બોર્ડે, ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોની અને ૨૦૧૮માં રવિચન્દ્રન અશ્વિને આવું પ્રદર્શન કર્યું હતું.
આૅસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ દરમ્યાન સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બૅટ્સમેન
નીતીશ કુમાર રેડ્ડી ૭ સિક્સર (૨૦૨૪-’૨૫)
વીરેન્દર સેહવાગ ૬ સિક્સર (૨૦૦૩-’૦૪)
મુરલી વિજય ૬ સિક્સર (૨૦૧૪-’૧૫)
સચિન તેન્ડુલકર પાંચ સિક્સર (૨૦૦૭-’૦૮)
રોહિત શર્મા પાંચ સિક્સર (૨૦૧૪-૧૫)
મયંક અગ્રવાલ પાંચ સિક્સર (૨૦૧૮-’૧૯)
રિષભ પંત પાંચ સિક્સર (૨૦૧૮-’૧૯)