News In Shorts: ટી૨૦માં રોહિતનો ટાઇમ પૂરો, યશસ્વી તેનો વિકલ્પ : ભજ્જી

25 May, 2023 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું તો કહું છું કે હાર્દિકના સુકાનમાં બની રહેલી ટી૨૦ ટીમમાં રિન્કુ સિંહને પણ સ્થાન મળવું જ જોઈએ.’ - હરભજન

હરભજન સિંહ

ટી૨૦માં રોહિતનો ટાઇમ પૂરો, યશસ્વી તેનો વિકલ્પ : ભજ્જી

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે યશસ્વી જયસ્વાલને ટી૨૦ ઇન્ટરનૅશનલમાં રોહિત શર્માનો વિકલ્પ ગણાવ્યો છે. ભજ્જીએ એક ઇવેન્ટમાં એક ફૅનના સવાલના જવાબમાં કહ્યું કે ‘હાલના ફૉર્મની તુલના કરું તો યશસ્વી ઘણા ખેલાડીઓ કરતાં સારો બૅટર છે. તે રોહિત શર્માનો સારો વિકલ્પ બની શકે અને શુભમન ગિલ સાથે બહુ સારું ઓપનિંગ કરી શકે એમ છે. બન્નેમાં બહુ સારી ક્ષમતા છે. હું તો કહું છું કે હાર્દિકના સુકાનમાં બની રહેલી ટી૨૦ ટીમમાં રિન્કુ સિંહને પણ સ્થાન મળવું જ જોઈએ.’

રોનાલ્ડોના મૅચ-વિનિંગ ગોલથી સાઉદીની ટાઇટલની આશા જીવંત

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મંગળવારે રિયાધમાં અલ-નાસર ક્લબની ટીમ વતી મૅચ-વિનિંગ ગોલ કરીને સાઉદી અરેબિયન ટાઇટલ માટેની આશા જીવંત રાખી હતી. અલ-નાસરે અલ-શબાબ સામે ૩-૨થી વિજય મેળવ્યો હતો. ૫૧મી મિનિટ સુધી બન્ને ટીમ ૨-૨ની બરાબરીમાં હતી, રોનાલ્ડોએ ૫૯મી મિનિટમાં ગોલ કરીને અલ-નાસરને ૩-૨થી સરસાઈ અપાવી હતી અને એ મૅચનો આખરી અને મૅચ-વિનિંગ ગોલ હતો.

મલેશિયામાં સિંધુ, શ્રીકાંત અને પ્રણોય બીજા રાઉન્ડમાં

મલેશિયન માસ્ટર્સમાં ગઈ કાલે પી. વી. સિંધુ તેમ જ શ્રીકાંત અને પ્રણોય બીજા રાઉન્ડમાં પહોંચી ગયાં હતાં. સિંધુએ ડેન્માર્કની લિને ક્રિસ્ટોફર્સેનને ૨૧-૧૩, ૧૭-૨૧, ૨૧-૧૮થી હરાવી હતી, જ્યારે શ્રીકાંતનો ફ્રાન્સના ટૉમા પૉપોવ સામે ૨૧-૧૨, ૨૧-૧૬થી અને પ્રણોયનો ચાઇનીઝ તાઇપેઇના વર્લ્ડ નંબર-સિક્સ ટિએન ચેન ચોઉ સામે ૧૬-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૩થી વિજય થયો હતો.

sports news sports cricket news indian cricket team harbhajan singh t20 international hardik pandya rohit sharma