02 February, 2023 12:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ ફાઇલ તસવીર
સૂર્યકુમાર યાદવે ટી૨૦ના બૅટર્સમાં મોખરાનો રૅન્ક જાળવી રાખ્યો છે. તેના ૯૦૮ પૉઇન્ટ સામે બીજા નંબરે મોહમ્મદ રિઝવાનના ૮૩૬ અને ત્રીજા નંબરે ડેવોન કૉન્વેના ૭૮૮ પૉઇન્ટ છે. ટી૨૦ બોલર્સમાં રાશિદ ખાન નંબર-વન અને ઑલરાઉન્ડર્સમાં શાકિબ-અલ-હસન નંબર-વન છે. વન-ડેના બૅટર્સમાં બાબર આઝમ, બોલર્સમાં મોહમ્મદ સિરાજ અને ઑલરાઉન્ડર્સમાં શાકિબ અવ્વલ છે. ટેસ્ટના બૅટર્સમાં માર્નસ લબુશેન, બોલર્સમાં પૅટ કમિન્સ અને ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા નંબર-વન છે.
આ મહિનાના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં રમાતી છેલ્લી ટુર્નામેન્ટ (ટી૨૦ ટ્રાય-સિરીઝ)માં આજે ભારત અને યજમાન સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ રમાશે. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ આ ટ્રાયેન્ગ્યુલરમાં અપરાજિત રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને એક વાર હરાવી ચૂકી છે.
યુએઈની ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ (આઇએલટી૨૦)માં મંગળવારે શ્રીલંકાના ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ શારજાહ વૉરિયર્સની ૧૩ રનમાં ત્રણ વિકેટ લઈને ડેઝર્ટ વાઇપર્સ ટીમને પ્લે-ઑફમાં પહોંચાડી દીધી હતી. આ ટીમ જીતીને ૧૨ પૉઇન્ટ સાથે ૬ ટીમના ટેબલમાં મોખરે થઈ ગઈ છે. ગલ્ફ જાયન્ટ્સ (૧૦) બીજા નંબરે અને એમઆઇ એમિરેટ્સ (૯) ત્રીજા નંબો છે. મંગળવારે ડેઝર્ટે ૬ વિકેટે ૧૪૮ રન બનાવ્યા બાદ શારજાહની ટીમ હસરંગાની ત્રણ તેમ જ લ્યુક વુડની ત્રણ વિકેટને કારણે ૮ વિકેટે ૧૨૬ રન બનાવતાં ડેઝર્ટની બાવીસ રનથી જીત થઈ હતી.
૧૯૮૯માં યૉર્કશર કાઉન્ટીના હિલ્સબરો સ્ટેડિયમમાં ૯૭ લોકોનો ભોગ લેનારી નાસભાગની જે ઘટના બની હતી એમાં પોલીસે પોતાના વિભાગની લાપરવાહી હોવાનું છેક ૩૪ વર્ષે કબૂલ્યું છે. ભાગદોડમાં ચગદાઈ ગયેલા લોકોમાં પુરુષો અને મહિલાઓ ઉપરાંત બાળકોનો પણ સમાવેશ હતો અને તેઓ લિવરપુલ ફુટબૉલ ક્લબની ટીમના ફૅન્સ હતાં અને લિવરપુલ અને નૉટિંગહૅમ ક્લબ વચ્ચેની એફએ કપની સેમી ફાઇનલ જોવા આવ્યાં હતાં. પોલીસ વિભાગે એ સૌથી ખરાબ બનાવમાં પોલીસના પગલામાં રહેલી કચાશ બદલ હિલ્સબરોના પરિવારોની માફી માગતો પત્ર બહાર પાડ્યો છે.
ભારતીય કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય શોષણ અને જાતીય સતામણી સહિતના આક્ષેપો કરીને તેમની હકાલપટ્ટીની જે માગણી કરી છે એ વિષયમાં તપાસ કરવા ખેલકૂદ મંત્રાલયે નીમેલી પાંચ મેમ્બરની ઓવરસાઇટ કમિટીમાં ભૂતપૂર્વ રેસલર અને ભાજપની નેતા બબીતા ફોગાટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં મૅરી કૉમ અને યોગશ્વર દત્ત સહિતના મેમ્બર્સ છે.