30 December, 2022 04:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
આઇસીસીના ટી૨૦ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ માટે મેન્સ કૅટેગરીમાં સૂર્યકુમાર યાદવ અને વિમેન્સ કૅટેગરીમાં સ્મૃતિ મંધાના નૉમિનેટ થયાં છે. વર્ષ ૨૦૨૨માંના પર્ફોર્મન્સિસને કારણે તેમની પસંદગી સંભવિત વિજેતાઓની યાદી માટે થઈ છે. પુરુષોના વર્ગમાં સૅમ કરૅન, મોહમ્મદ રિઝવાન અને સિકંદર રઝા પણ રેસમાં છે. મહિલા વર્ગમાં આ પુરસ્કાર માટે સ્મૃતિએ પાકિસ્તાની ઑલરાઉન્ડર નિદા દર, ન્યુ ઝીલૅન્ડની સૉફી ડેવાઇન અને ઑસ્ટ્રેલિયાની તાહલિયા મૅક્ગ્રા સાથેની હરીફાઈનો સામનો કરવો પડશે.
ભૂતપૂર્વ બૅટર અને ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે બીસીસીઆઇના ઍડ્વાઇઝરોની મીટિંગની પૂર્વસંધ્યાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘સિલેક્ટરો હવે જ્યારે પણ ભારતના ટી૨૦ ભવિષ્ય માટે યોજના ઘડવા બેસે ત્યારે તેમણે એમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીથી કંઈક આગળ વિચારવું જોઈએ. ટૂંકમાં તેમણે રોહિત, કોહલીના ટી૨૦ ભાવિ વિશે હવે નિર્ણય લઈ લેવો જોઈએ.’ શ્રીલંકા સામે ત્રીજી જાન્યુઆરીની વાનખેડેની મૅચ સાથે શરૂ થઈ રહેલી ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં રોહિત કે કોહલી, બેમાંથી કોઈનો સમાવેશ નથી. હાર્દિક પંડ્યાને એ ટીમનું સુકાન સોંપાયું છે અને સૂર્યકુમાર વાઇસ-કૅપ્ટન છે.
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં પહેલા ૨૦ ગોલ સૌથી ઓછી મૅચમાં કરવાનો રેકૉર્ડ બુધવાર અગાઉ કેવિન ફિલિપ્સનો હતો જે મૅન્ચેસ્ટર સિટીના એર્લિંગ હાલૅન્ડે એ દિવસે તોડ્યો હતો. ફિલિપ્સે ઈપીએલમાં રમવાનું શરૂ કર્યા પછી ૧૯૯૯માં ૨૧મી મૅચમાં ૨૦મો ગોલ કર્યો હતો, પરંતુ હાલૅન્ડે ૧૪ મૅચમાં જ ૨૦ ગોલ પૂરા કર્યા છે. હાલૅન્ડે બુધવારે બે ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીને લીડ્સ સામે ૩-૧થી જિતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. યુરોપના દેશ નૉર્વેના હાલૅન્ડે મૅચ પછી કહ્યું કે ‘સ્ટૅન્ડમાં મારા ડૅડી બેઠા હતા અને તેમની હાજરીમાં મેળવેલી આ સિદ્ધિને હું સ્પેશ્યલ માનું છું.’
આવતા મહિને મેલબર્નમાં રમાનારી ૨૦૨૩ની ટેનિસની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટુ્ર્નામેન્ટમાં ચૅમ્પિયન બનનાર મેન્સ વર્ગના ખેલાડીને અને વિમેન્સ કૅટેગરીની પ્લેયર, બન્નેને ૨.૯૭ મિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે ૧૬.૫૨ કરોડ રૂપિયા)નું સર્વોચ્ચ ઇનામ આપવામાં આવશે. આ વખતે ઇનામની રકમમાં મોટો વધારો કરાયો છે. સ્પર્ધામાં કુલ ૪૨૫ કરોડ રૂપિયાનાં ઇનામ આપવામાં આવશે.
બિપિન ફુટબૉલ ઍકૅડેમીની ૧૬ વર્ષથી નાની વયના છોકરાઓ માટેની ૩૪મી ઇન્ટર-સેન્ટર ટુર્નામેન્ટ આવતી કાલે અને પહેલી જાન્યુઆરીએ દહિસરમાં ગોપીનાથ મુંડે શક્તિ મેદાન (ફુટબૉલ ગ્રાઉન્ડ)માં યોજાશે. ઍકૅડેમીના કન્વીનર સુરેન્દ્ર કરકેરાએ કહ્યું હતું કે ‘બોરીવલી, વસઈ-વિરાર, કલ્યાણ, ઉલ્હાસનગર, કોલાબા, અંધેરી, મદનપુરાની આઠ ટીમ આ સ્પર્ધામાં ભાગ લેશે. આવતી કાલે સવારે ૮ વાગ્યે ઉદ્ઘાટન-વિધિ થશે અને રવિવારે સાંજે ૪ વાગ્યે ફાઇનલ મુકાબલો થશે. ત્યાર બાદ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી તથા ભારતના ભૂતપૂર્વ કોચ સ્ટીવન ડાયસના હસ્તે ઇનામ વિતરણ યોજાશે.’
બીકેસીમાં ગઈ કાલે રણજી ટ્રોફીમાં એલીટ સ્તરની ગ્રુપ ‘બી’ની મૅચમાં સૌરાષ્ટ્ર સામે મુંબઈની હાલત કફોડી હતી. ૨૮૦ રનના લક્ષ્યાંક સામે અજિંક્ય રહાણેની ટીમે ૨૧૮ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. આજે ચોથા અને છેલ્લા દિવસે પહેલા સેશનમાં જ પરિણામ આવી શકે છે. લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ ભુત (૫૬ રનમાં ચાર) અને નવા ઑફ-સ્પિનર યુવરાજસિંહ ડોડિયા (૮૦ રનમાં ત્રણ) તેમ જ ધર્મેન્દ્રસિંહ જાડેજા (૭૮ રનમાં એક)ની સ્પિન-ત્રિપુટીએ સપાટો બોલાવતાં મુંબઈની ટીમ મુસીબતમાં મુકાઈ હતી. ઓપનર પૃથ્વી શૉ (૬૮ રન)ની હાફ સેન્ચુરી એળે જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ઇન્ફૉર્મ બૅટર સૂર્યકુમાર યાદવ ૩૮ રને વિકેટ ગુમાવી બેઠો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એકમાત્ર વિકેટ લીધી હતી જે સૂર્યકુમારની હતી. રહાણે ૧૬ રન અને સરફરાઝ ખાન ૨૦ રન બનાવી શક્યા હતા. સ્પિનર શમ્સ મુલાની ૩૦ રને અને તુષાર દેશપાંડે પાંચ રને રમી રહ્યો હતો અને પરાજયથી મુંબઈને બચાવવા અથવા જિતાડવા તેમના પર મોટો ભાર હતો. નવા ખેલાડી મુશીર ખાને ફક્ત ૨૩ રન બનાવ્યા હતા. પહેલા દાવમાં સૌરાષ્ટ્રના ૨૮૯ સામે મુંબઈના ૨૩૦ રન તથા બીજા દાવમાં સૌરાષ્ટ્રના ૨૨૦ રન હતા.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું ઃ મહારાષ્ટ્ર સામે આંધ્રને જીતવા ૧૪૦ રનની જરૂર હતી
(૧) વડોદરામાં ઉત્તર પ્રદેશ સામે બરોડાએ ૧૮૭ રનના લક્ષ્યાંક સામે ૪ વિકેટે ૭૨ રન બનાવ્યા હતા અને એને આજે ૧૧૫ રનની જરૂર હતી. સાશ્વત રાવત ૪૧ રને અને વિકેટકીપર મિતેશ પટેલ ૬ રને રમી રહ્યા હતા.
(૨) અમદાવાદમાં ચંડીગઢના ૩૦૪ રનના જવાબમાં ગુજરાતે ૪ વિકેટે ૫૯૬ રન બનાવીને ૨૯૨ રનની લીડ લીધી હતી અને બીજા દાવમાં ચંડીગઢે ૪૬ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
(૩) પોર્વોરિમમાં કર્ણાટકના ૬૦૩/૭ ડિક્લેર્ડના સ્કોર સામે ગોવાએ ૮ વિકેટે ૩૨૧ રન બનાવ્યા હતા.
(૪) વિઝિયાનગરમમાં મહારાષ્ટ્ર સામે આંધ્રને જીતવા ૨૪૦ રનના લક્ષ્યાંક સામે ૧૪૦ રનની જરૂર હતી અને છ વિકેટ બાકી હતી.