ન્યુઝ શૉર્ટમાં : ડનેડિનમાં પાકિસ્તાનની મહિલાઓનો ન્યુ ઝીલૅન્ડ સામે પ્રથમ શ્રેણી-વિજય અને વધુ સમાચાર

06 December, 2023 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વિની-તનિષાનો રૅન્ક ચાર વધીને ૨૮ થયો, જુનિયર વર્લ્ડ બૉક્સિંગમાં ભારત જીત્યું ૧૭ મેડલ અને વધુ સમાચાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ ગઈ કાલે પહેલી વાર ન્યુ ઝીલૅન્ડ સામે ટી૨૦ સિરીઝ જીતી હતી. ડનેડિનમાં સિરીઝની બીજી મૅચમાં ૬ વિકેટે ૧૩૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પેસ બોલર ફાતિમા સનાએ ત્રણ અને સ્પિનર સાદિયા ઇકબાલે બે વિકેટ લીધી હતી. ફાતિમાએ ૨૮ રન બનાવનાર એક બૅટરને રનઆઉટ પણ કરી હતી. બાવીસ બૉલમાં અણનમ ૩૨ રન બનાવનાર આલિયા રિયાઝને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. એશિયાની બહાર પાકિસ્તાનની મહિલા ટીમની આ પહેલી ટી૨૦ સિરીઝ-જીત છે. હવે શનિવારે છેલ્લી ટી૨૦ અને પછી વન-ડે સિરીઝ રમાશે.

અશ્વિની-તનિષાનો રૅન્ક ચાર વધીને ૨૮ થયો
વર્લ્ડ વિમેન્સ બૅડ‍્મિન્ટનમાં ભારતની અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રેસ્ટોનો રૅન્ક ચાર ક્રમ વધીને ૨૮ થઈ ગયો છે. ૩૬ વર્ષની અશ્વિની અને ૨૦ વર્ષની તનિષા હજી જાન્યુઆરીમાં જ જોડીમાં ભેગી થઈ હતી. રવિવારે તેમની જોડી લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ સુપર-૩૦૦ ટુર્નામેન્ટમાં રનર-અપ હતી. આ પહેલાં તેઓ દુબઈ અને અબુ ધાબીની સ્પર્ધા જીતી હતી. બૅડ‍્મિન્ટનના સિંગલ્સ અને ડબલ્સના અન્ય ભારતીય ખેલાડીઓના લેટેસ્ટ રૅન્ક આ મુજબ છે ઃ પી. વી. સિંધુ (૧૨), લક્ષ્ય સેન (૧૭), કિદામ્બી શ્રીકાંત (૨૪), સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી-ચિરાગ શેટ્ટી (૨) અને ત્રિશા જૉલી-ગાયત્રી ગોપીચંદ (૧૯).

જુનિયર વર્લ્ડ બૉક્સિંગમાં ભારત જીત્યું ૧૭ મેડલ
આર્મેનિયાની જુનિયર વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ્સમાં ભારતના બૉક્સર્સ કુલ ૧૭ મેડલ જીત્યા છે. ૪૮ કિલો વર્ગમાં પાયલે આર્મેનિયાની જ હરીફને હરાવીને ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. એશિયન યુથ ચૅમ્પિયન્સ નિશા અને આકાંક્ષાએ પણ પોતપોતાના વર્ગમાં ગોલ્ડ જીતી લીધા હતા. બૉય્‍સમાં સાહિલ (૭૫ કિલો) અને હેમંત (૮૦+ કિલો) સિલ્વર મેડલ જીત્યા હતા.

pakistan cricket news sports news t20 international new zealand