27 May, 2023 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
આગામી ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવા કેટલાક દેશો વચ્ચે ૧૮ જૂન-૯ જુલાઈ દરમ્યાન ઝિમ્બાબ્વેમાં ક્વૉલિફાઇંગ મૅચો રમાશે અને એમાં રમનારી અમેરિકાની ટીમનું સુકાન મોનાંક પટેલને સોંપવામાં આવ્યું છે. ટીમમાં ભારતીય મૂળના બીજા કેટલાક પ્લેયર્સ છે જેમાં અભિષેક પરાડકર, ગજાનંદ સિંહ, જસદીપ સિંહ, નિસર્ગ પટેલ, સૌરભ નેત્રાવલકર અને સુશાંત મોદાનીનો સમાવેશ છે.
ક્વાલા લમ્પુરની મલેશિયા માસ્ટર્સ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે પી. વી. સિંધુ ચીનની યિ મન ઝાન્ગને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૧-૧૬, ૧૩-૨૧, ૨૨-૨૦થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. એચ. એસ. પ્રણોયે ક્વૉર્ટરમાં જપાનના કેન્તા નિશિમોતોને ૨૫-૨૩, ૧૮-૨૧, ૨૧-૧૩થી પરાજિત કરીને સેમીમાં પહોંચ્યો હતો, પરંતુ કિદામ્બી શ્રીકાંત ૨૧-૧૬, ૧૬-૨૧, ૧૧-૨૧થી ઇન્ડોનેશિયાના ક્રિસ્ટિયાન ઍડિનાટા સામે હારી ગયો હતો.
ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં રનર-અપ રહેલા ફ્રાન્સની અન્ડર-૨૦ ટીમ આર્જેન્ટિનાના બ્યુનસ આયરસમાં રમાતા અન્ડર-૨૦ વિશ્વકપમાં ગુરુવારે આફ્રિકા ખંડના ગામ્બિયા દેશની ટીમ સામે ૧-૨થી હારી ગઈ હતી. ગ્રુપ ‘એ’માં બૅક-ટુ-બૅક પરાજયને લીધે ફ્રાન્સ માટે હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે, જ્યારે ગામ્બિયા અપરાજિત હોવાથી નેક્સ્ટ રાઉન્ડ માટે મજબૂત દાવેદાર છે. ઉરુગ્વે સામેની ૩-૨ની જીતને લીધે ટાઇટલ-ફેવરિટ ઇંગ્લૅન્ડ નૉકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું છે.