15 March, 2023 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ આફ્રિદી
ભારત સામે ઑસ્ટ્રેલિયાએ જીતેલી ત્રીજી ટેસ્ટ-મૅચના સ્થળ ઇન્દોરની પિચને મૅચ-રેફરી ક્રિસ બ્રૉડે જે ‘પુઅર’ રેટિંગ આપ્યું છે એની સામે બીસીસીઆઇએ સત્તાવાર અપીલ કરી છે. હવે આઇસીસીની કમિટી સમીક્ષા બાદ ૧૪ દિવસમાં ફેંસલો આપશે. મૅચ ત્રીજા દિવસે પહેલા સેશનમાં પૂરી થઈ ગઈ હતી. પહેલા બે દિવસમાં કુલ ૩૦ વિકેટ પડી હતી. ૩૧માંથી ૨૬ વિકેટ સ્પિનર્સે લીધી હતી. ક્રિસ બ્રૉડે પિચને ખૂબ સૂકી ગણાવવા ઉપરાંત એના પર બૅટ અને બૉલ વચ્ચે કોઈ સમતુલા નહોતી જળવાતી હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું.
રુરકેલામાં ચાલતી પુરુષ હૉકી ખેલાડીઓની એફઆઇએચ પ્રો લીગ ટુર્નામેન્ટમાં ભારતે સોમવારે વર્લ્ડ ચૅમ્પિયન જર્મનીને સતત બીજી વાર હરાવ્યું હતું. ભારતીય ટીમ એક ગોલથી પાછળ હતી, પણ લાગલગાટ ચાર ગોલ કરીને સરસાઈ મેળવી લીધી હતી અને છેવટે જર્મનીને ૬-૩થી પરાજય ચખાડ્યો હતો. ટુર્નામેન્ટમાં ભારતની આ સતત ત્રીજી જીત હતી. હકીકતમાં જર્મની સામે ભારત પાંચ વર્ષથી નથી હાર્યું. છેલ્લે ૨૦૧૭માં ભુવનેશ્વરમાં ભારતની જર્મની સામે હાર થઈ હતી. સોમવારની જર્મની સામેની મૅચમાં ભારત વતી અભિષેક (બે ગોલ), કાર્તિ (બે ગોલ), જુગરાજ સિંહ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા.