01 April, 2023 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉસ ટેલર
ઓવલમાં ભારતીય બોલર્સ ઑસ્ટ્રેલિયાને મુસીબતમાં મૂકી શકે: રૉસ ટેલર
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ બૅટર રૉસ ટેલરનું દઢપણે માનવું છે કે ‘બુમરાહ ઈજાને લીધે જૂનની ઓવલ ખાતેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં નહીં રમી શકે તો પણ ઑસ્ટ્રેલિયાના બૅટર્સને ભારે પડી શકે એવું પેસ બોલિંગ આક્રમણ ભારત પાસે છે. ડ્યુક બૉલથી રમવાનો ઑસ્ટ્રેલિયન સીમ બોલર્સને બહુ સારો અનુભવ છે. જોકે ભારતીય બોલર્સે પણ નજીકના ભૂતકાળમાં ડ્યુક બૉલથી અસરદાર બોલિંગ કરી હતી. ડ્યુક બૉલથી બોલિંગ કરવામાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ અસરકારક સાબિત થઈ શકે એમ છે.’ ઇંગ્લૅન્ડની આબોહવા અને પિચનો અનુભવ મેળવવા અર્શદીપ સિંહ કેન્ટ કાઉન્ટી વતી રમવાનો છે.
શ્રીલંકા હાર્યું ઃ વન-ડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશવાની તક ગુમાવી
શ્રીલંકા ગઈ કાલે હૅમિલ્ટનમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં હારી જતાં પૉઇન્ટ્સ-ટેબલમાં આઠમું સ્થાન ચૂકી ગયું હતું જેને પરિણામે તેને હવે આ વર્ષના વન-ડેના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી નહીં મળે. કિવીઓએ સિરીઝ ૨-૦થી જીતી લીધી છે. શ્રીલંકાએ બૅટિંગ લીધી હતી, પરંતુ એકમાત્ર પથુમ નિસાન્કાની હાફ સેન્ચુરી (૫૭ રન)ને કારણે ટીમ ૧૫૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મૅટ હેન્રી, ડેરિલ મિચલ અને હેન્રી શિપ્લીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડે વિલ યંગના અણનમ ૮૬ તથા હેન્રી નિકોલ્સના અણનમ ૪૪ રનની મદદથી ૩૨.૫ ઓવરમાં ચાર વિકેટે ૧૫૯ રન બનાવીને ૧૦૩ બૉલ બાકી રાખી છ વિકેટથી વિજય મેળવ્યો હતો.
આયરિશ મહિલા ક્રિકેટર્સ ૫૩ દિવસમાં ચાર સિરીઝ રમશે
મહિલા ક્રિકેટરોનો નવો યુગ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે પોતે પણ કેમ પાછળ રહી જાય કદાચ એવું જ વિચારીને આયરલૅન્ડના ક્રિકેટ બોર્ડે આગામી જૂન-ઑગસ્ટ વચ્ચેના ૫૩ દિવસના સમયગાળામાં પોતાની મહિલા પ્લેયર્સ માટે ચાર સિરીઝ રાખવાનું નક્કી કર્યું છે ઃ જૂન-જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ વન-ડે, જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી૨૦, જુલાઈમાં ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે અને ઑગસ્ટમાં નેધરલૅન્ડ્સ સામે ત્રણ ટી૨૦.