News In Shorts : સૂર્યકુમાર હજી પણ ટી૨૦માં નંબર-વન

27 April, 2023 11:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોહમ્મદ રિઝવાન (૮૧૧) બીજા સ્થાને અને બાબર આઝમ (૭૫૬) ત્રીજે હતો

સૂર્યકુમાર યાદવ ફાઇલ તસવીર

સૂર્યકુમાર હજી પણ ટી૨૦માં નંબર-વન

સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં અપેક્ષા જેવું નથી રમી રહ્યો, પરંતુ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં તેણે હજીયે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ગઈ કાલે આઇસીસીએ જાહેર કરેલા ટી૨૦ બૅટર્સના રૅન્કિંગ્સમાં સૂર્યા ૯૦૬ પૉઇન્ટ સાથે અવ્વલ હતો. મોહમ્મદ રિઝવાન (૮૧૧) બીજા સ્થાને અને બાબર આઝમ (૭૫૬) ત્રીજે હતો. ન્યુ ઝીલૅન્ડના માર્ક ચૅપમૅને તાજેતરમાં પાકિસ્તાન સામેની ટી૨૦ સિરીઝમાં હાઇએસ્ટ ૨૯૦ રન બનાવ્યા અને કિવીઓની ટીમને સિરીઝ ૨-૨થી લેવલ કરી આપી એ પર્ફોર્મન્સને પગલે તે બાવીસ ક્રમની છલાંગ સાથે ૩૫મા નંબર પર આવી ગયો છે. ટી૨૦ બોલર્સમાં રાશિદ ખાન અને ઑલરાઉન્ડર્સમાં શાકિબ-અલ-હસન નંબર-વન છે.

શ્રીલંકાએ આયરલૅન્ડ પર જમાવ્યો અંકુશ

ગૉલની બીજી ટેસ્ટમાં આયરલૅન્ડે ૪૯૨ રન બનાવ્યા ત્યાર બાદ ગઈ કાલે ત્રીજા દિવસે શ્રીલંકાએ એક વિકેટના ભોગે ૩૫૭ રન ખડકી દીધા હતા. મદુશ્કા ૧૪૯ રને નૉટઆઉટ હતો. કૅપ્ટન કરુણારત્ને ૧૧૫ રન બનાવીને આઉટ થયો હતો, પણ મેન્ડિસ પાંચ સિક્સર અને સાત ફોરની મદદથી બનેલા ૮૩ રન સાથે રમી રહ્યો હતો.

બિગ બૅશમાં સ્ટાર ખેલાડીઓને આકર્ષવા માટે નિયમો બદલાયા

ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ ટી૨૦ ટુર્નામેન્ટમાં ખેલાડીઓની સૅલરીને લગતી ટોચમર્યાદા વધારાઈ છે. તમામ આઠ ફ્રૅન્ચાઇઝીએ ઓછામાં ઓછા છ ખેલાડીને સીઝનના ઓછામાં ઓછા બે લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર (૧.૦૮ કરોડ રૂપિયા)ના પગાર સાથે સાઇન કરવા પડશે. મહિલાઓની બિગ બૅશમાં ટોચની પાંચ ખેલાડીઓ માટે ઓછામાં ઓછો ૫૦,૦૦૦ ડૉલર (૨૭ લાખ રૂપિયા)નો પગાર હોવો જોઈશે. દરેક ફ્રૅન્ચાઇઝી સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ધરાવતા ગમેએટલા ખેલાડીઓને કુલ ૩૦ લાખ ડૉલર (૧૬ કરોડ રૂપિયા)ના ફન્ડમાંથી ખરીદી શકશે અને બે એવા પ્લેયર્સને માર્કી સપ્લિમેન્ટરી લિસ્ટમાં રાખી શકશે જેઓ ટુર્નામેન્ટમાં પછીથી રમવા ઉપલબ્ધ હોય તો રમી શકશે.

ઇંગ્લૅન્ડના ક્રિકેટરોને માત્ર લીગ રમવા પ્રલોભન

છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણા ક્રિકેટરો ફ્રૅન્ચાઇઝી આધારિત લીગ ટુર્નામેન્ટોમાં રમવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વહેલી નિવૃત્તિ લઈ ચૂક્યા છે ત્યારે હવે ‘ટાઇમ્સ લંડન’ના એક અહેવાલ મુજબ આઇપીએલના ટોચના ફ્રૅન્ચાઇઝીના માલિકો ઇંગ્લૅન્ડના છ જાણીતા ખેલાડીઓને ૫૦ લાખ પાઉન્ડ સુધીના વાર્ષિક કૉન્ટ્રૅક્ટ ઑફર કરીને લીગ માટે જ મોટા ભાગનો સમય આપવા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મનાય છે એમ પી. ટી. આઇ.ના રિપોર્ટમાં જણાવાયું હતું. આ ફ્રૅન્ચાઇઝીઓની આઇપીએલ ઉપરાંત વિશ્વની બીજી ઘણી લીગમાં ટીમો છે.

મહિલાઓની સિરીઝ ફૉર ધ બ્લાઇન્ડમાં ભારતે નેપાલને હરાવ્યું

જોઈ ન શક્તા પુરુષોની જેમ મહિલાઓની પણ ક્રિકેટ મૅચો રમાતી હોય છે અને ગઈ કાલે પોખારામાં નેપાલ સામેની પાંચ મૅચવાળી ટી૨૦ સિરીઝમાં ભારતે બીજી મૅચ જીતીને શ્રેણી ૧-૧થી લેવલ કરી હતી. નેપાલે સરિતા ઘીમિરેના ૫૬ રનની મદદથી ૧૭૨ રન બનાવ્યા હતા. ભારત વતી સુષ્મા પટેલ, ગંગા અને ફુલા સરેને એક-એક વિકેટ લીધી હતી. ભારતે સિમુ દાસના અણનમ ૬૬ અને ફુલા સરેનના અણનમ ૬૫ રનની મદદથી ૧૪.૩ ઓવરમાં એક વિકેટે ૧૭૪ રન બનાવીને વિજય મેળવ્યો હતો. મંગળવારે પહેલી મૅચ નેપાલે જીતી હતી.

હૅન્ડબૉલ લીગ : ઉઝબેકનો પ્લેયર ગર્વિત ગુજરાતની ટીમમાં

ભારતમાં આ વર્ષે પહેલી વાર યોજાનારી પ્રીમિયર હૅન્ડબૉલ લીગ (પીએચએલ) માટે તાજેતરમાં પૂરા થયેલા ચારુ શર્માના ઍન્કરિંગ હેઠળના પ્લેયર્સ ઑક્શનમાં ભારતના તેમ જ વિદેશી ચૅમ્પિયન અને જાણીતા ખેલાડીઓને ખરીદવા છ ફ્રૅન્ચાઇઝી વચ્ચે રસાકસી થઈ હતી. ગર્વિત ગુજરાત ટીમે મેળવેલા હરેન્દરસિંહ નૈનને ખરીદવા ઘણી ટીમો વચ્ચે હરીફાઈ થઈ હતી. ગર્વિત ગુજરાતે ઉઝબેકિસ્તાનના ૨૪ વર્ષના તુલીબોએવ મુખ્તોરને ખરીદવામાં સફળતા મેળવી હતી. મહારાષ્ટ્ર આયર્નમેન ટીમે ઇરાનના જલાલ કિયાનીને મેળવ્યો હતો. પીએસએલની બીજી ચાર ટીમ તેલંગણા ટેલૉન્સ, રાજસ્થાન વુવરિન્સ, ગોલ્ડન ઇગલ્સ યુપી અને દિલ્હી પૅન્ઝર્સનો સમાવેશ છે.

sports news sports indian cricket team cricket news t20 international england sri lanka ireland test cricket international cricket council