08 May, 2023 11:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરીના સબાલેન્કા
મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેક ગઈ કાલે નંબર-ટૂ અરીના સબાલેન્કા સામે ક્લે કોર્ટ પરની મૅડ્રિડ ઓપનની રસાકસીભરી ફાઇનલમાં હારી ગઈ હતી અને સબાલેન્કા ત્રણ વર્ષમાં બીજી વાર આ ટાઇટલ જીતી હતી. ૨૦૨૧માં તેણે આ સ્પર્ધાની ફાઇનલમાં એ સમયની નંબર-વન ઍશ્લેઇ બાર્ટીને હરાવી હતી. કરીઅરનું ૧૩મું ટાઇટલ જીતનાર સબાલેન્કાએ ફરી ટ્રોફી હાથમાં લેવા બે કલાક અને ૨૬ મિનિટ સુધી રાહ જોવી પડી હતી, કારણ કે સ્વૉનટેક સામે તેની મૅચ ઘણા ઉતાર-ચડાવવાળી બની રહી હતી અને છેવટે સબાલેન્કાએ ૬-૩, ૩-૬, ૬-૩થી વિજય મેળવ્યો હતો. સ્વૉનટેકે હાર્યા પછી કહ્યું કે ‘હું અને સબાલેન્કા બન્ને સારું રમ્યાં, પણ એ થોડું ચડિયાતું રમી. હું હારી એનો મને જરાય અફસોસ નથી.’
લિવરપુલે શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગની મૅચમાં બ્રેન્ટફર્ડને ૧-૦થી હરાવીને લાગલગાટ છઠ્ઠી જીત મેળવી હતી. આ વિજય સાથે લિવરપુલની ટીમ મૅન્ચેસ્ટર યુનાઇટેડની લગોલગ પહોંચી ગઈ હતી અને ચૅમ્પિયન્સ લીગ માટે ક્વૉલિફાય થવાનો એને હજી મોકો છે. મૅચનો વિનિંગ ગોલ ઇજિપ્તના મોહમ્મદ સાલહે ૧૩મી મિનિટે કર્યો હતો અને ત્યાર પછી ૯૦ મિનિટના અંત સુધી મૅચમાં બીજો એકેય ગોલ નહોતો થઈ શક્યો. તેનો આ ૧૦૦મો ગોલ હતો. સીઝનની તમામ ટુર્નામેન્ટ્સ મળીને કુલ સતત ૯ મૅચમાં ગોલ કરનાર તે લિવરપુરનો પ્રથમ ખેલાડી બન્યો છે.
સેવિલમાં શનિવારે રિયલ મૅડ્રિડે રૉડ્રગોના બે ગોલની મદદથી ફાઇનલમાં ઓસસુનાને હરાવીને ૧૦ વર્ષે કોપા ડેલ રે ટુર્નામેન્ટમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. મૅડ્રિડના રૉડ્રિગોએ બીજી અને ૭૦મી મિનિટે ગોલ કર્યા હતા, જ્યારે ઓસસુના વતી થયેલો એકમાત્ર ગોલ ટૉરોએ ૫૮મી મિનિટે કર્યો હતો. રૉડ્રિગોએ બીજી મિનિટે (૧૦૬મી સેકન્ડે) જે ગોલ કર્યો એ છેલ્લાં ૧૭ વર્ષમાં આ સ્પૅનિશ કપની ફાઇનલનો ફાસ્ટેસ્ટ ગોલ છે.