23 May, 2023 10:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે ગઈ કાલે ટ્વિટર કરીને ભારતીય ટીમના નવા કિટ સ્પૉન્સર તરીકે અડિડાસની જાહેરાત કરી હતી. હાલના કિટ સ્પૉન્સર કિલર જીન્સનો કૉન્ટ્રૅક્ટ ૩૧ મેએ પૂરો થઈ રહ્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ જીતવા માટે ઑસ્ટ્રેલિયા ફેવરિટ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર વેણુગોપાલને લાગે છે કે બન્ને ટીમને એકસરખા ચાન્સ છે. વેણુગોપાલે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયા જેવો જ ઉમદા બોલિંગ-અટૅક આપણી પાસે છે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી દમદાર બોલર છે. છેલ્લે જ્યારે ભારત અને ઇંગ્લૅન્ડ રમ્યું હતું ત્યારે આ બન્ને બોલરે ઇંગ્લિશ બૅટર્સને ભારે પરેશાન કર્યા હતા. આપણી પાસે વર્લ્ડનો બેસ્ટ ફાસ્ટ બોલિંગ-અટૅક છે. ચેતેશ્વર પુજારા હાલમાં ઇંગ્લૅન્ડમાં રમી રહ્યો છે અને મેદાન ગજાવી રહ્યો છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ હાલમાં આઇપીએલ ગજાવી રહ્યા છે અને રોહિત શર્માએ ભલે વધુ રન ન બનાવ્યા હોય, પણ જ્યારે પણ દેશ માટે મેદાનમાં ઊતરે છે ત્યારે એક અલગ પ્રકારની એનર્જી સાથે ઊતરે છે અને મને ખાતરી છે કે રોહિત પણ તેનો ટચ બતાવશે.’
ઑસ્ટ્રેલિયા માટે આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ અને ઍશિઝ સિરીઝ પહેલાં એક ગુડ ન્યુઝ આવ્યા છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જાહેર કર્યું હતું કે પેસ બોલર જોશ હેઝલવુડ આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ અને ઍશિઝ સિરીઝ માટે સંપૂર્ણ ફિટ છે અને રમવા માટે ઉપલબ્ધ છે. ઑસ્ટ્રેલિયા આગામી સાતમી જૂનથી લંડનના ઓવલ મેદાનમાં ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાશે અને ત્યાર બાદ કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામે ૧૬ જૂનથી ૩૧ જુલાઈ દરમ્યાન ઍશિઝ સિરીઝ રમશે. આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતો હેઝલવુડ ૯ મેએ સીઝનની ત્રીજી મૅચ રમ્યા બાદ ઇન્જરીને લીધે સ્વદેશ રવાના થઈ ગયો હતો.