26 March, 2023 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા
બૉલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી ઍક્ટ્રેસ તમન્ના ભાટિયા આગામી શુક્રવાર, ૩૧ માર્ચે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે અને એ માટે તે રિહર્સલ કરી રહી છે. આઇપીએલની શરૂઆત અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મૅચથી થશે. તમન્ના ભાટિયા તાજેતરમાં એક ફૅશન વીક દરમ્યાન રૅમ્પ પર કૅટવૉક કરીને છવાઈ ગઈ હતી.
ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર શિવમ માવીએ આગામી આઇપીએલ માટે એક સ્પેશ્યલ ડિલિવરી બનાવી છે. તેણે કહ્યું હતું કે ‘આઇપીએલ માટે એક સ્પેશ્યલ ડિલિવરી બનાવી છે, જેના વિશે અહીં વાત નહીં કરું, પરંતુ આશા રાખું છું કે એને આઇપીએલમાં નાખીશ, પછી એના વિશે વાત કરીશ. આ વખતે અમારા લોઅર ઑર્ડરની નબળાઈને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. હું પોતે પણ લોઅર ઑર્ડરમાં ૩૦થી ૩૫ રન બનાવી શકું એવી તૈયારી કરી રહ્યો છું.’
કૅપ્ટન રોવમન પૉવેલે ૧૮ બૉલમાં ફટકારેલા નૉટઆઉટ ૪૩ રનના કારણે વેસ્ટ ઇન્ડીઝે વરસાદના વિઘ્નવાળી પહેલી ટી૨૦ મૅચ સાઉથ આફ્રિકાને ૩ વિકેટે હરાવીને જીતી લીધી હતી. સાઉથ આફ્રિકાએ પહેલાં બૅટિંગ કરતાં ૧૧ ઓવરમાં ૮ વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા, જેમાં ડેવિડ મિલરે સૌથી વધુ ૪૮ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કર્યો હતો.
ભોપાલમાં ચાલી રહેલી આઇએસએસએફ પિસ્તોલ-રાઇફલ વર્લ્ડ કપની ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભારતની મનુ ભાકરે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. મેડલ માટેની મૅચમાં ડોરીને ૩૦ પૉઇન્ટ સાથે ગોલ્ડ, ઝીયુ ડીએ ૨૯ સાથે સિલ્વર તો ભારતની મનુ ભાકરે ૨૦ પૉઇન્ટ સાથે બ્રૉન્ઝ જીત્યો હતો.