ન્યુઝ શોર્ટમાં : ડિવિલિયર્સ સાઉથ આફ્રિકાની લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

02 December, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પૉટ-ફિક્સિંગથી કલંકિત સલમાન બટને સિલેક્ટર બનાવાયો અને વધુ સમાચાર

એબી ડિવિલિયર્સ (ફાઇલ તસવીર)

ડિવિલિયર્સ સાઉથ આફ્રિકાની લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

૧૦ જાન્યુઆરીએ શરૂ થનારી સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ (એસએ૨૦)ની બીજી સીઝન માટે દેશના ક્રિકેટ-લેજન્ડ એબી ડિવિલિયર્સને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર ઘોષિત કર્યો છે. છ ફ્રૅન્ચાઇઝી આધારિત ટીમ વચ્ચેની આ લીગમાં ચાર અઠવાડિયાં દરમ્યાન કુલ ૩૪ મૅચ રમાશે. ડિવિલિયર્સ આ લીગને વિશ્વમાં વધુ લોકપ્રિય બનાવવા અને લીગની વૅલ્યુ વધારવા લીગની મૅનેજમેન્ટ ટીમ સાથે કામ કરશે અને પોતાના આઇડિયાઝ રજૂ કરશે. ડિવિલિયર્સ સાથે બીજા જે નામાંકિત ખેલાડીઓ લીગને પ્રમોટ કરશે એમાં હર્શેલ ગિબ્સ, એલન ડોનલ્ડ, ડેલ સ્ટેન, માર્ક બાઉચર અને રૉબિન પીટરસનનો સમાવેશ છે.

સ્પૉટ-ફિક્સિંગથી કલંકિત સલમાન બટને સિલેક્ટર બનાવાયો

પાકિસ્તાન ક્રિકેટમાં મોટું ડેવલપમેન્ટ થયું છે. ૨૦૧૦માં ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ મૅચ દરમ્યાન સ્પૉટ-ફિક્સિંગના કાંડમાં ભૂમિકા ભજવવા બદલ પાંચ વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા પછી ૨૦૧૬માં પાછો રમવા આવનાર ભૂતપૂર્વ કૅપ્ટન સલમાન બટને નવી સિલેક્શન કમિટીનો મેમ્બર બનાવાયો છે. વહાબ રિયાઝ ચીફ સિલેક્ટર છે અને અન્ય સિલેક્ટર્સમાં કામરાન અકમલ અને રાવ ઇફ્તિખાર અંજુમ પણ છે.

ડોમિનિકા વર્લ્ડ કપના આયોજનમાંથી નીકળી ગયું

જૂન ૨૦૨૪નો મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં સંયુક્ત રીતે યોજાવાનો છે અને એ માટે અમેરિકાના તેમ જ વેસ્ટ ઇન્ડીઝના વિવિધ ટાપુઓનાં સ્ટેડિયમ તૈયાર કરાઈ રહ્યાં છે. જોકે વેસ્ટ ઇન્ડીઝના ડોમિનિકા આયલૅન્ડ-રાષ્ટ્રએ આઇસીસીને અને બીજા દેશોને ચોંકાવી દેતી વાત કરી છે. ડોમિનિકાએ કહ્યું છે કે ‘આ વિશ્વકપ માટેના એનાં બે સ્ટેડિયમ વિન્ડસર પાર્ક સ્પોર્ટ‍્સ સ્ટેડિયમ અને બેન્જામિન્સ પાર્ક સ્ટેડિયમમાં હજી ઘણું કામ બાકી છે અને નિર્ધારિત સમયની અંદર તૈયાર થઈ શકે એમ નથી એટલે અમે આ બન્ને સ્ટેડિયમનાં નામ યજમાન બનનાર કૅરિબિયન ટાપુઓનાં સ્ટેડિયમના લિસ્ટમાંથી પાછાં ખેંચી રહ્યા છીએ.’

sports sports news cricket news