06 February, 2023 02:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યુસુફ પઠાણન
યુએઈમાં ચાલી રહેલી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ સ્પર્ધાની દુબઈ કૅપિટલ્સ ટીમની બાકીની મૅચોના સુકાની તરીકે ભારતીય ઑલરાઉન્ડર યુસુફ પઠાણની નિયુક્તિ થઈ છે. પૉઇન્ટ્સ-ટેબલમાં ગઈ કાલ સુધી પાંચમું સ્થાન ધરાવતી આ ટીમમાં રૉબિન ઉથપ્પા, જો રૂટ, રૉવમૅન પોવેલ, સિકંદર રઝા, ફેબિયન ઍલન, રવિ બોપારા, વિકેટકીપર નિરોશાન ડિકવેલા, હઝરુતલ્લા ઝઝાઈ, ચામિકા કરુણારત્ને, મુજીબ-ઉર-રહમાન, દાસુન શનાકા, ભાનુકા રાજાપક્સાનો સમાવેશ છે.
ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ સ્પર્ધામાં શનિવારે અબુ ધાબી નાઇટ રાઇડર્સે સીઝનની પહેલી જીત મેળવી હતી. આઠ હાર અને એક અનિર્ણીત મૅચ બાદ અબુ ધાબીની ટીમે આ પહેલી જીત ઇંગ્લૅન્ડના બૅટર અને ઓપનર જો ક્લાર્ક (૫૪ રન, ૩૨ બૉલ, બે સિક્સર, સાત ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી મેળવી હતી. શારજાહ વૉરિયર્સે ૯ વિકેટે ૧૩૦ રન બનાવ્યા પછી અબુ ધાબીએ ૧૬.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૩ રન બનાવીને વિજય મેળવ્યો હતો. પૉઇન્ટ્સ-ટેબલમાં અબુ ધાબીની ટીમ છઠ્ઠા (છેલ્લા) નંબર પર છે. શનિવારે ગલ્ફ જાયન્ટ્સે ડેઝર્ટ વાઇપર્સ સામે પચીસ રનથી જીત મેળવીને વિજેતા ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૪ પૉઇન્ટ સાથે એની બરાબરીમાં થઈ ગઈ હતી.
પ્રીટોરિયા કૅપિટલ્સ ટીમ સાઉથ આફ્રિકાની નવી ટી૨૦ સ્પર્ધા (એસએ૨૦)ની સેમી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. એમઆઇ કેપ ટાઉને ૧૫૯ રન બનાવ્યા બાદ પ્રીટોરિયાએ રિલી રોસોઉના ૪૦ અને કુસાલ મેન્ડિસના ૩૯ રનની મદદથી ૨૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૧૬૦ રન બનાવીને છેલ્લા બૉલે ફક્ત એક વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો.