17 January, 2023 02:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉલિન મનરો
યુએઈની નવી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં રવિવારે ડેઝર્ટ વાઇપર્સે શારજાહ વૉરિયર્સને ૭ વિકેટે હરાવી હતી. મોઇન અલીના સુકાનમાં શારજાહની ટીમે પાંચ વિકેટે ૧૪૫ રન બનાવ્યા પછી ડેઝર્ટે ૧૬.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૪૮ રન બનાવી લીધા હતા. કૅપ્ટન કૉલિન મનરો ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થયો હતો, પરંતુ ઍલેક્સ હેલ્સ (૮૩ અણનમ, બાવન બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) અને સૅમ બિલિંગ્સ (૪૯ રન, ૩૮ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની ઇનિંગ્સે ડેઝર્ટને વિજય અપાવ્યો હતો.
પંજાબ કિંગ્સે આઇપીએલની આગામી સીઝન માટે ભારતના ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર સુનીલ જોશીને સ્પિન બોલિંગ કોચ બનાવ્યો છે. શિખર ધવનના સુકાનમાં રમનારી પંજાબ કિંગ્સની ટીમના કોચિંગ સ્ટાફના બીજા મેમ્બર્સમાં વસીમ જાફર (બૅટિંગ કોચ), ચાર્લ લૅન્ગવેલ્ટ (બોલિંગ કોચ) અને બ્રૅડ હૅડિન (અસિસ્ટન્ટ કોચ). બાવન વર્ષના સુનીલ જોશીએ ૧૯૯૬થી ૨૦૦૧ દરમ્યાન ભારત વતી ૮૪ મૅચમાં ૧૧૦ વિકેટ લીધી હતી. ૨૦૨૨ની આઇપીએલમાં પંજાબની ટીમ છઠ્ઠા નંબર પર રહી હતી.
ભારતમાં ચાલતા મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ગઈ કાલે નેધરલૅન્ડ્સે ન્યુ ઝીલૅન્ડને ૪-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી ઑલમોસ્ટ કરી લીધી હતી. ફ્રાન્સે સાઉથ આફ્રિકાને ૨-૧થી હરાવ્યું હતું. મલેશિયા સામે ચિલીનો ૨-૩થી પરાજય થયો હતો. ઑસ્ટ્રેલિયાએ આર્જેન્ટિના સામેની રસાકસીભરી મૅચ ૩-૩થી ડ્રૉ કરાવી હતી. ભારતની હવે પછીની મૅચ ૧૯મીએ વેલ્સ સામે રમાશે.