31 January, 2023 03:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ વસીમ
યુએઈની ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં રવિવારે શારજાહમાં યુએઈના ઓપનિંગ બૅટર મોહમ્મદ વસીમે (૮૬ રન, ૪૪ બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) એમઆઇ એમિરેટ્સને આ ટુર્નામેન્ટની સૌથી મોટી જીત અપાવી હતી. એમઆઇના કૅપ્ટન કીરોન પોલાર્ડ (૫૦ અણનમ, ૧૯ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને ઓપનર ઑન્ડ્રે ફ્લેચર (૫૦ રન, ૩૯ બૉલ, બે સિક્સર, ચાર ફોર) તેમ જ ડૅન મોઉઝલી (૩૧ અણનમ, ૧૭ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની આક્રમક ઇનિંગ્સની મદદથી ૩ વિકેટે ૨૪૧ રન બનાવ્યા બાદ કૉલિન મનરોના સુકાનમાં ડેઝર્ટ વાઇપર્સ ટીમ ફક્ત ૮૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ફઝલહક ફારુકીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાની સૌથી પહેલી ટી૨૦ લીગ (એસએ૨૦)માં આઠ દિવસનો લાંબો બ્રેક ચાલી રહ્યો છે. ઇંગ્લૅન્ડની ટીમ ઓડીઆઇ સિરીઝ રમવા આવી હોવાથી ૨૪ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધીનો આ બ્રેક રખાયો છે. અત્યાર સુધી બાવીસ મૅચ રમાઈ છે, જેમાં પ્રીટોરિયા કૅપિટલ્સ ૨૩ પૉઇન્ટ સાથે નંબર-વન અને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ ૧૭ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે.
ટેમ્બા બવુમાએ રવિવારે ઇંગ્લૅન્ડ સામેની ઓડીઆઇમાં ૧૦૯ રન બનાવીને સાઉથ આફ્રિકાને સિરીઝ જિતાડી આપી હતી. ઇંગ્લૅન્ડે બટલરના અણનમ ૯૪ અને હૅરી બ્રુકના ૮૦ રનની મદદથી ૭ વિકેટે ૩૪૨ રન બનાવ્યા હતા. યજમાન ટીમે ૪૯.૧ ઓવરમાં પાંચ વિકેટે ૩૪૭ રન બનાવીને જીત મેળવવાની સાથે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી છે.
મેલબર્નમાં રવિવારે જીતેલી ઑસ્ટ્રેલિયન ઓપનની ૧૦મી વિક્રમજનક ટ્રોફી સાથે (10 નંબર પાસે ઊભેલો) સર્બિયાનો વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ. આ ટ્રોફી નૉર્મન બ્રુક્સ ચૅલેન્જ કપ ટ્રોફી તરીકે ઓળખાય છે. તે બાવીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતીને ગયા વર્ષે વર્લ્ડ રેકૉર્ડ કરનાર સ્પેનના રાફેલ નડાલની બરાબરીમાં આવી ગયો છે. જૉકોવિચે ગઈ કાલે મેલબર્નમાં ગવર્નમેન્ટ હાઉસની બહાર ચાહકો સાથે સેલ્ફી પણ લીધો હતો. તસવીર એ.એફ.પી.