પ્રીટોરિયાના કૅપ્ટન વેઇન પાર્નેલ તથા એન્રિક નૉર્કિયાએ ત્રણ-ત્રણ વિકેટ અને આદિલ રાશિદે બે વિકેટ લેતાં એમઆઇની ટીમ ફક્ત ૧૩૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ફાઇલ તસ્વીર
વિલ જૅક્સે પ્રીટોરિયા કૅપિટલ્સને ત્રીજી મૅચ જિતાડી આપી
આઇપીએલની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૩.૨૦ કરોડ રૂપિયામાં મેળવેલા ઇંગ્લૅન્ડના બૅટર વિલ જૅક્સે
સાઉથ આફ્રિકાની એસએ૨૦ નામની ટી૨૦ લીગમાં સોમવારે પ્રીટોરિયા કૅપિટલ્સને ત્રીજી મૅચ જિતાડી આપી હતી. વિલ જૅક્સ (૬૨ રન, ૨૭ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર)ની આક્રમક ઇનિંગ્સની મદદથી પ્રીટોરિયાએ ૮ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. એમઆઇ કેપ ટાઉનના જોફ્રા આર્ચરે તથા કૅપ્ટન રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. એમઆઇની ટીમ ડેવાલ્ડ બ્રેવિસ (૪૬ રન, ૩૦ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની ઉપયોગી ઇનિંગ્સ છતાં બાવન રનથી હારી ગઈ હતી, કારણ કે પ્રીટોરિયાના કૅપ્ટન વેઇન પાર્નેલ તથા એન્રિક નૉર્કિયાએ ત્રણ-ત્રણ વિકેટ અને આદિલ રાશિદે બે વિકેટ લેતાં એમઆઇની ટીમ ફક્ત ૧૩૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટના તમામ બૅટર્સમાં વિલ જૅક્સના ૨૭૦ રન હાઇએસ્ટ છે.
અફઘાની બોલરે ગલ્ફ જાયન્ટ્સને પહેલો પરાજય જોવડાવ્યો
યુએઈમાં ચાલતી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ (આઇએલટી૨૦)માં જેમ્સ વિન્સના સુકાનમાં ગલ્ફ જાયન્ટ્સ ટીમ શરૂઆતથી રવિવાર સુધીમાં તમામ ચાર મૅચ જીત્યા બાદ સોમવારે પાંચમી મૅચ હારી ગઈ હતી. આ ગલ્ફ જાયન્ટ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા નંબરે છે, પરંતુ એને પ્રથમ પરાજય ચોથા નંબરની શારજાહ વૉરિયર્સ ટીમે દેખાડ્યો હતો. શારજાહે જો ડેન્લીના ૫૮ રનની મદદથી ૭ વિકેટે ૧૫૧ રન બનાવ્યા બાદ ગલ્ફ જાયન્ટ્સ ફક્ત ૧૩૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. શારજાહ વતી રમતા અફઘાનિસ્તાનના પેસ બોલર નવીન-ઉલ-હકે ૩૮ રનમાં પાંચ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. ક્રિસ વૉક્સે બે વિકેટ લીધી હતી.
ભારતની મહિલા હૉકી ટીમ નંબર-વન નેધરલૅન્ડ્સ સામે હારી
સાઉથ આફ્રિકા સામેની હૉકી સિરીઝ ૩-૦થી જીતી ગયા બાદ ભારતની મહિલા હૉકી ટીમ વર્લ્ડ નંબર-વન નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં ૧-૩થી પરાજિત થઈ છે. ગોલકીપર સવિતાના સુકાનમાં ભારતીય ટીમે હરીફ ખેલાડીઓને જોરદાર લડત આપી હતી.