03 February, 2023 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મોટા ભાગે ક્રિકેટરોને પ્રોફેશનલ લીગમાંના સારા પર્ફોર્મન્સને પગલે ઇન્ટરનૅશનલ ટીમમાં સ્થાન મળતું હોય છે, પરંતુ સાઉથ આફ્રિકાના બૅટર ટેમ્બા બવુમાના કિસ્સામાં ઊલટું બન્યું છે. ગયા વર્ષે ‘એસએ૨૦’ના પ્લેયર્સ ઑક્શનમાં બવુમાને એકેય ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ તાજેતરમાં તેણે ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં ૧૦૯ રન બનાવીને સાઉથ આફ્રિકાને સિરીઝ જિતાડી આપી એનાથી આકર્ષાઈને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમે એસએ૨૦ માટે ખરીદી લીધો છે.
ભારતીય ફુટબૉલની ટોચની ચૅમ્પિયનશિપ સંતોષ ટ્રોફીની ૭૬મી સીઝનનો ફાઇનલ રાઉન્ડ ૧૦ ફેબ્રુઆરીએ ભુવનેશ્વરમાં શરૂ થશે. આ નિર્ણાયક રાઉન્ડ માટે ક્વૉલિફાય થયેલી ૧૨ ટીમમાં મહારાષ્ટ્ર (ડિફેન્ડિંગ ચૅમ્પિયન), કેરલા, ગોવા, કર્ણાટક, ઓડિશા, પંજાબ, બેન્ગોલ, મેઘાલય, દિલ્હી, મણિપુર, રેલવે અને સર્વિસિસનો સમાવેશ છે. આ સ્પર્ધાની નૉકઆઉટ મૅચો સાઉદી અરેબિયામાં રમાશે.
અબુ ધાબીમાં બુધવારે ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં ગલ્ફ જાયન્ટ્સની ટીમે પોલાર્ડની એમઆઇ એમિરેટ્સ ટીમને હૅટમાયરની સિક્સરથી છેલ્લા બૉલે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૨ પૉઇન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. બુધવારે ક્રિસ જૉર્ડનની ત્રણ વિકેટને કારણે એમઆઇની ટીમ ૧૩૯ રન સુધી સીમિત રહી હતી. ગલ્ફ જાયન્ટ્સે ઓપનર ટૉમ બૅન્ટનના ૪૫ રન બાદ ૨૦મી ઓવરના છેલ્લા બૉલે વિજય મેળવ્યો હતો.