News in Short: એસએ૨૦નો ચૅમ્પિયન માર્કરમ હૈદરાબાદનો કૅપ્ટન

24 February, 2023 12:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદ-સ્થિત ફ્રૅન્ચાઇઝીએ ટ્વિટર પર શૅર કરેલા વિડિયોમાં આ જાણકારી શૅર કરી હતી

એઇડન માર્કરમ

એસએ૨૦નો ચૅમ્પિયન માર્કરમ હૈદરાબાદનો કૅપ્ટન

૩૧ માર્ચે શરૂ થનારી મેન્સ આઇપીએલ માટેની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના સુકાનીપદે સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર એઇડન માર્કરમની નિયુક્તિ કરવામાં આવી છે. હૈદરાબાદ-સ્થિત ફ્રૅન્ચાઇઝીએ ટ્વિટર પર શૅર કરેલા વિડિયોમાં આ જાણકારી શૅર કરી હતી જેમાં લખ્યું હતું કે ધ. વેઇટ. ઇઝ. ઓવર. #ઑરેન્જઆર્મી, સે હેલો ટુ અવર ન્યુ કૅપ્ટન એઇડન માર્કરમ’. તેના સુકાનમાં તાજેતરમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમે પહેલી જ વાર રમાયેલી એસએ૨૦ લીગ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. એ ટુર્નામેન્ટમાં ૩૬૫ રન અને ૧૧ વિકેટ સાથે તે મૅન ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. માર્કરમ હૈદરાબાદના કૅપ્ટન તરીકે કેન વિલિયમસનનું સ્થાન લેશે. વિલિયમસનને ઑક્શનમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ખરીદી લીધો છે.

ટેનિસ ટુર્નામેન્ટમાં પહેલી વાર સાઉદીની મહિલા ટીમ રમશે

સાઉદી અરેબિયા પહેલી વખત ઇન્ટરનૅશનલ ટેનિસ ફેડરેશન ટુર્નામેન્ટમાં મહિલા ટીમ ઉતારી રહ્યું છે. આ ટીમ શ્રીલંકામાં આ અઠવાડિયે બિલી જીન કિંગ કપ જુનિયર્સ માટે શરૂ થનારી એશિયા/ઓસનિયા પ્રી-ક્વૉલિફાઇંગ ઇવેન્ટમાં ભાગ લેશે. સાઉદી ટીમની કૅપ્ટન અરીજ ફરાહે એ.પી.ને ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘આ ટુર્નામેન્ટ સાઉદી અરેબિયામાં મહિલા ટેનિસની પ્રગતિની દિશામાં મહત્ત્વનું પગલું બની રહેશે. અમે સાઉદીનું પ્રતિનિધિત્વ કરવામાં ગૌરવ અનુભવીશું.’

રશિયાને છૂટ મળતાં યુક્રેન દિલ્હીની સ્પર્ધાની બહાર થયું

દિલ્હીમાં આવતા મહિને મહિલા અને પુરુષ બૉક્સરો માટેની ઍમેટર વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાશે, પરંતુ યુક્રેને એમાં પોતાના બૉક્સર્સને ન મોકલવાની જાહેરાત કરી છે. રશિયા સાથે એક વર્ષથી ચાલતા યુદ્ધથી ત્રસ્ત યુક્રેનના ફેડરેશને ભારતને કહેવડાવ્યું છે કે આ સ્પર્ધામાં રશિયા અને બેલારુસના મુક્કાબાજોને તેમના દેશના ધ્વજ સાથે અને રાષ્ટ્રગીત હેઠળ રમવાની છૂટ અપાઈ હોવાથી અમે અમારા બૉક્સર્સને ભારત નહીં મોકલીએ. 

sports news sports cricket news t20 indian premier league sunrisers hyderabad kane williamson russia tennis news