15 December, 2022 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍન્ડ્ર્યુ ફ્લિન્ટૉફ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઍન્ડ્ર્યુ ફ્લિન્ટૉફને બીબીસી પરના ‘ટૉપ ગિયર’ શો દરમ્યાન એક એપિસોડના શૂટિંગ દરમ્યાન કારઅકસ્માત નડતાં તેને તરત જ હવાઈ માર્ગે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ૪૫ વર્ષનો ફ્લિન્ટૉફ સરે કાઉન્ટીના ડન્સ્ફૉલ્ડ પાર્ક ઍરોડ્રોમ વિસ્તારમાં બરફથી છવાયેલા ભાગમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ટેસ્ટ-ટ્રૅક પરના ઍક્સિડન્ટમાં તેને ઈજા પહોંચી હતી. તે આ ટ્રૅક પર તીવ્ર ઝડપે કાર નહોતો ચલાવી રહ્યો અને નૉર્મલ સ્પીડે જઈ રહ્યો હતો.
પાકિસ્તાન ૬૩ વર્ષમાં પહેલી વાર ઘરઆંગણે ઉપરાઉપરી ત્રણ ટેસ્ટ હાર્યું છે અને એને પગલે બાબર આઝમની કૅપ્ટન્સી થોડી ચર્ચાસ્પદ થઈ છે. ઑસ્ટ્રેલિયા સામેની હાર બાદ હવે ઇંગ્લૅન્ડ સામે બૅક-ટુ-બૅક ટેસ્ટમાં પરાજય થયો છે. બ્રિટિશરો સામેની બે ટેસ્ટમાં કૅપ્ટન તરીકેના બાબરના કેટલાક નિર્ણયોને શાહિદ આફ્રિદીએ વખોડ્યા છે અને ટીમના પ્લાનિંગ પ્રોસેસમાં સિનિયર ખેલાડીઓનાં મંતવ્યો લેવાને બદલે ‘આઉટસાઇડર્સ’ની સલાહ સાંભળવા બદલ બાબરની ટીકા કરી છે.
ઑસ્ટ્રેલિયાના બૅટર માર્નસ લબુશેને તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટમાં કુલ ૫૦૨ રન ફટકારી આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં નંબર-વનનો રૅન્ક મેળવી લીધો ત્યાર બાદ નવો અહેવાલ આવ્યો છે કે તેણે ૯૩૭ રેટિંગ પૉઇન્ટ સાથે વિરાટ કોહલીની બરાબરી કરી છે. ૯૩૭ કોહલીના કરીઅર-બેસ્ટ પૉઇન્ટ છે અને હવે લબુશેન પણ એ ઊંચાઈ સુધી પહોંચી ગયો છે.