18 March, 2023 06:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુવરાજ સિહ મળ્યો રિષભ પંતને
એક ભયાનક માર્ગ-અકસ્માત બાદ ઈજામાંથી સારા થઈ રહેલા વિકેટકીપર-બૅટર રિષભ પંતને મળ્યા બાદ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું હતું કે આ ચૅમ્પિયન ફરીથી ઊભો થશે. ૨૦૧૧ના વર્લ્ડ કપ બાદ યુવરાજને કૅન્સરનું નિદાન થયું હતું, જેની સારવાર બાદ તેણે ફરીથી ભારતીય ટીમમાં વાપસી કરી હતી. તેને મળ્યા બાદ યુવરાજે કહ્યું હતું કે ‘પંત હજી બેબી સ્ટેપ લઈ રહ્યો છે, પરંતુ આ ચૅમ્પિયન ફરી મેદાન પર રમતો જોવા મળશે. તેને મળવાની મજા પડી. તે ખૂબ સકારાત્મક અને રમૂજી સ્વભાવનો છે.’
ઈજાને કારણે પંત આઇપીએલમાં નહીં રમી શકે. ગયા વર્ષે ૩૦ ડિસેમ્બરે પંત રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો.
આઇએસએલમાં આજે બેંગલુરુ-બગાનનો જંગ
ભારતની સૌથી મોટી ફુટબૉલ સ્પર્ધા ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)માં આજે બેંગલુરુ અને એટીકે મોહન બગાન વચ્ચે મડગાંવમાં ફાઇનલ રમાશે. મોહન બગાનને પહેલી વાર ચૅમ્પિયન બનવાનો મોકો છે. બેંગલુરુને ૨૦૧૮-’૧૯ની સીઝન પછી બીજી વાર ટ્રોફી જીતવાની તક છે. મોહન બગાનની ટીમ સતત પાંચ મૅચ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમનો સુકાની સુનીલ છેત્રી બેંગલુરુ ટીમનો કૅપ્ટન છે.
ત્રિશા-ગાયત્રી ઑલ ઇંગ્લૅન્ડની સેમીમાં
ભારતની બૅડ્મિન્ટન જોડી ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદ ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે સતત બીજી વાર સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેમણે ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની લિ વેન મેઇ અને લિઉ શુઆન શુઆનની જોડીને ૬૪ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૧૪, ૧૮-૨૧, ૨૧-૧૨થી હરાવી હતી. આ સ્પર્ધામાં બાકી રહેલી આ માત્ર બે ભારતીય ખેલાડીઓ છે.
વાનખેડે સ્ટેડિયમના ‘ચિલ્ડ્રન ઑફ ધ ડે’
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે સિરીઝની પહેલી વન-ડેના આરંભ પહેલાં રાષ્ટ્રગીત સમયે બન્ને ટીમના ખેલાડીઓ સાથે જે બાળકો ઊભાં હતાં તેમનો પછીથી મેદાનની બહાર ગ્રુપમાં તેમના પેરન્ટ્સ અને વૉલન્ટિયર્સ સાથે ગ્રુપ-ફોટો પાડવામાં આવ્યો હતો. આ બાળકો મુંબઈનાં હતાં અને સ્ટાર ખેલાડીઓને મળીને આવ્યાં હોવાથી તેઓ ખૂબ ઉત્સાહી અને આનંદિત હતાં.