T20 ચૅમ્પિયન બનીને આવેલી ન્યુ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટરોનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત

23 October, 2024 07:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ત્રણ વન-ડેની સિરીઝ રમવા દુબઈથી સીધી ભારત આવી છે કિવી ટીમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમ આવી પહોંચતાં દીકરીઓએ બૅટ રેઝ કરીને સ્વાગત કર્યું હતું. (તસવીર : જનક પટેલ)

T20 વર્લ્ડ ચૅમ્પિયન બનીને ટીમ ઇન્ડિયા સામે ત્રણ વન-ડેની સિરીઝ રમવા અમદાવાદ આવેલી ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમનું ગઈ કાલે પહેલાં અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટેલમાં અને પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલ મૅનેજમેન્ટે વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ માટે સ્પેશ્યલ કેક, સ્પેશ્યલ મેસેજ અને ફોટો સાથેનો કપ તૈયાર કરીને ટીમના દરેક સભ્યને ગિફ્ટ કર્યો હતો. ત્યાર બાદ સ્ટેડિયમમાં ઢોલ-નગારાં વગાડીને તથા ફટાકડા ફોડીને ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમનું સ્વાગત કરવામાં આવતાં વર્લ્ડ ચૅમ્પિયન ટીમની મહિલા ખેલાડીઓ ભાવવિભોર બની ગઈ હતી અને જાણે તેમના દેશમાં આવી હોય એવી લાગણી તેમને થઈ હતી. 

ગઈ કાલે અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટેલમાં ન્યુ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટરોનું પરંપરાગત સ્વાગત અને તેમના માટેની કેક.

ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ઑનરરી સેક્રેટરી અનિલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બનીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી હતી ત્યારે પરંપરાગત રીતે આ ટીમનું વેલકમ કર્યું હતું. ફટાકડા ફોડ્યા અને ગુજરાત ક્રિકેટ અસોસિએશનની દીકરીઓએ બૅટ રેઝ કરીને ટીમને ઓવેશન આપ્યું હતું. વર્લ્ડ ચૅમ્પિયન તરીકેના તેમના ફોટો ડ્રેસિંગરૂમમાં સેટઅપ કરીને લગાવ્યા હતા. સ્ટેડિયમની અંદર તેમના ડ્રેસિંગરૂમના એન્ટ્રન્સ પાસે કેક કટિંગ કરીને ફુગ્ગા ઉડાડ્યા હતા. આ ટીમ તેમના દેશ ન્યુ ઝીલૅન્ડ ગઈ હોત તો ત્યાં તેમનું કેટલું જોરદાર સન્માન થયું હોત? પણ આ ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી પહેલી વખત અમદાવાદ આવી છે એટલે આપણે તેમનું પરંપરાગત રીતે સન્માન-સ્વાગત કર્યું છે જેનાથી ટીમની ખેલાડીઓ ઘણી ખુશ થઈ ગઈ હતી.’ 

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝમાં પહેલી વન-ડે ૨૪મીએ, બીજી ૨૭મીએ અને ત્રીજી વન-ડે ૨૯ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એ માટે ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે ગઈ કાલે મેદાન પર પ્રૅક્ટિસ કરી હતી.

sports news sports new zealand womens world cup cricket news ahmedabad narendra modi stadium