08 March, 2023 03:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યોઆન વિલિયમસન-ઑર અને કેન વિલિયમસન
ન્યુ ઝીલૅન્ડની ઘરઆંગણે શ્રીલંકા સામે ગુરુવારે ૯ માર્ચે શરૂ થતી ટેસ્ટ-સિરીઝ માટે કિવી ખેલાડીઓ પ્રથમ મૅચના સ્થળ ક્રાઇસ્ટચર્ચમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે, પરંતુ તેમનો ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસન તેમની સાથે નથી, કારણ કે તેનાં દાદી યોઆન વિલિયમસન-ઑરનું નિધન થયું છે અને કેન વિલિયમસન આજે તેમની અંતિમક્રિયામાં હાજરી આપ્યા પછી ટીમ સાથે જોડાઈ જશે.
યોઆન વિલિયમસન-ઑર પૌત્ર કેન વિલિયમસનનાં સૌથી મોટાં ફૅન હતાં. તેમણે પૌત્રની મોટા ભાગની ઇનિંગ્સ સ્ટેડિયમમાં જઈને અથવા ટીવી પર માણી હતી. વિલિયમસનને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો અને યોઆને તેને એમાં જ કરીઅર બનાવવા સતત સપોર્ટ આપ્યો હતો. યોઆન ૧૯૮૬માં ન્યુ ઝીલૅન્ડના ટૉપો શહેરનાં પ્રથમ મેયર બન્યાં હતાં. ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન ટિમ સાઉધીએ ગઈ કાલે કહ્યું કે ‘દાદીમાના અવસાનને કારણે કેન હાલમાં તેના પરિવાર સાથે છે અને તે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાઈ જશે.’ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક ટેસ્ટના બીજા દાવમાં વિલિયમસને જે ૧૩૨ રન બનાવ્યા એને કારણે જ ઇંગ્લૅન્ડને ૨૫૮ રનનો પડકારરૂપ ટાર્ગેટ મળ્યો હતો અને ઇંગ્લૅન્ડની ટીમ ૨૫૬ રનમાં ઑલઆઉટ થતાં ન્યુ ઝીલૅન્ડનો એક રનથી રોમાંચક વિજય થયો હતો. વિલિયમસનના પિતા બ્રેટ વિલિયમસન પણ ક્રિકેટર હતા.