શ્રીલંકાએ બૅટિંગ મળતાં ૬ વિકેટે ૩૦૫ રન ખડકી દીધા

10 March, 2023 03:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેન્ડિસે ૮૭માંથી ૭૩ ટકા રન બાઉન્ડરીમાં બનાવ્યા

ક્રાઇસ્ટચર્ચમાં ગઈ કાલે એક બાઉન્સરમાં રમવાનું ટાળ્યા પછી બેસી પડેલો શ્રીલંકાનો કુસાલ મેન્ડિસ. તેણે કુલ ૧૬ ફોર ફટકારી હતી. તસવીર એ. એફ. પી

જૂન મહિનાની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલા શ્રીલંકાની ટીમે ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના આરંભિક દિવસે બૅટિંગનું આમંત્રણ મળતાં શરૂઆતના એક આંચકા બાદ બે-ત્રણ મોટી ભાગીદારીની મદદથી ૬ વિકેટના ભોગે ૩૦૫ રન ખડકી દીધા હતા અને પહેલા જ દિવસે મૅચ પર પકડ જમાવી દીધી હતી. બૅડ લાઇટને લીધે રમત વહેલી પૂરી થઈ ત્યારે ધનંજય ડિસિલ્વા ૩૯ રને અને કાસુન રજિતા ૧૬ રને રમી રહ્યા હતા.

એ પહેલાં, કુસાલ મેન્ડિસ (૮૭ રન, ૮૩ બૉલ, સોળ ફોર) આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો. તેના ૭૩ રન બાઉન્ડરીમાં બન્યા હતા. તેની અને કૅપ્ટન દિમુથ કરુણારત્ને (૮૭ બૉલમાં ૫૦ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી થઈ હતી. ૧૫૧ રનના સ્કોર પર બન્ને બૅટર આઉટ થયા પછી દિનેશ ચંદીમલ (૬૪ બૉલમાં ૩૯ રન) અને ઍન્જેલો મૅથ્યુઝ (૬૪ બૉલમાં ૩૯ રન) વચ્ચે ચોથી વિકેટ માટે ૮૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. રમતના અંતે ડિસિલ્વા-રજિતા ૩૭ રનની ભાગીદારી સાથે રમી રહ્યા હતા.

યજમાન ન્યુ ઝીલૅન્ડ ટેસ્ટના વર્લ્ડ કપની જૂનની ફાઇનલની રેસમાં નથી, પરંતુ શ્રીલંકા જો આ ટેસ્ટ અને પછીની આખરી ટેસ્ટ પણ જીતીને ૨-૦થી શ્રેણીમાં વિજય મેળવે અને બીજી બાજુ જો ભારતની ઑસ્ટ્રેલિયા સાથેની સિરીઝ ૨-૨થી કે ૨-૧થી પૂરી થઈ હશે તો ભારતને નહીં, પણ શ્રીલંકાને જૂનની ફાઇનલમાં જવા મળશે. ગઈ કાલે ૬ કિવી બોલર્સમાંથી ટિમ સાઉધીએ ત્રણ અને મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી.

sports news sports cricket news test cricket new zealand sri lanka